ન્યૂયોર્કમાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા, બે વ્યક્તિ વચ્ચેની બોલાચાલી બાદ ફાયરિંગ

New York Indian Man Shot Dead: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે.
Rupin Bakraniya
Rupin Bakraniya
New York Indian Man Shot DeadNew York Indian Man Shot Dead

New York Indian Man Shot Dead

New York Indian Man Shot Dead: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. મીડિયા રિપોર્ટ મુજબ, બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયા બાદ એક શખ્સે ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવાથી 27 વર્ષીય ભારતીય નાગરિક ગુરદીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

સ્ટેનલી એવન્યુ નજીક ફાયરિંગ

મળતી માહિતી મુજબ, ક્વીન્સમાં રહેતા ગુરદીપ સિંહને શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યે ઈસ્ટ ન્યૂયોર્ક વિસ્તારમાં સ્ટેનલી એવન્યુ નજીક ગોળી મારવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં એક વ્યક્તિ છાતીમાં ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યો હતો. પેરામેડિક્સ દ્વારા ગુરદીપ સિંહને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

ઝઘડા બાદ ગોળી મારી કારમાં ફરાર

રિપોર્ટ અનુસાર, ઘટના પહેલા બે વ્યક્તિઓ વચ્ચે રસ્તા પર ઝઘડો થયો હતો. સર્વેલન્સ વીડિયોમાં બંને વચ્ચે મારામારી થતી જોવા મળે છે. ત્યારબાદ ફાયરિંગ જેવી રોશની દેખાય છે અને એક વ્યક્તિ જમીન પર પડી જાય છે. ફાયરિંગ બાદ શંકાસ્પદ આરોપી કારમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે શનિવાર સવાર સુધી ઘટનાસ્થળે પુરાવા એકત્ર કર્યા હતા. હાલ સુધી આ કેસમાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

હત્યાથી ભારતીય અને પંજાબી સમુદાયમાં ચિંતા

ગુરદીપ સિંહની હત્યા બાદ અમેરિકામાં કાર્યરત નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશન (NAPA) દ્વારા દુઃખ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. NAPAના કાર્યકારી નિર્દેશક સતનામ સિંહ ચહલે જણાવ્યું કે આવી ઘટનાઓને સામાન્ય ઘટના તરીકે ન જોવી જોઈએ. તેમણે તપાસ એજન્સીઓને હત્યા પાછળનું ચોક્કસ કારણ શોધવા અપીલ કરી છે. એસોસિએશને તપાસ પૂર્ણ થાય તે પહેલાં ઘટનાના કારણ અંગે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાની પણ અપીલ કરી છે.

એક દાયકાથી વધુ સમય પહેલાં અમેરિકા આવ્યા હતા

રિપોર્ટ મુજબ, ગુરદીપ સિંહ એક દાયકાથી વધુ સમય પહેલાં અમેરિકા આવ્યા હતા. ન્યૂયોર્કમાં તેમની હત્યાની ઘટનાએ પરિવારજનો ઉપરાંત ભારતીય અને પંજાબી સમુદાયમાં પણ શોકની લાગણી ફેલાવી છે. પોલીસ હાલ આરોપીની ઓળખ અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. આરોપીની ધરપકડ બાદ જ હત્યા પાછળની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થઈ શકશે.