‘નશા મુક્ત યુવા’ અભિયાન શરૂ થતાં પહેલાં PM મોદીનો સંદેશ: યુવાઓને સકારાત્મક પરિવર્તન માટે પ્રેરિત કરવાનો હેતુ


‘નશા મુક્ત યુવા’ અભિયાન શરૂ થતાં પહેલાં PM મોદીનો સંદેશ: યુવાઓને સકારાત્મક પરિવર્તન માટે પ્રેરિત કરવાનો હેતુ


નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ના પ્રારંભ પહેલાં દેશના યુવાઓને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાઓને નશાથી દૂર રહેવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવાનો છે.
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે સવારે 11 વાગ્યે અભિયાનની શરૂઆત થશે. તેમણે કહ્યું કે આ 100 અઠવાડિયા સુધી ચાલનારા દેશવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત છે, જેમાં દર રવિવારે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ અભિયાનમાં દેશભરના 10,000થી વધુ સ્થળોએ યુવાનો ભાગ લેશે. ઉપરાંત ‘માય ભારત’, એનએસએસના સ્વયંસેવકો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુથ ક્લબ, એનજીઓ અને આધ્યાત્મિક સંસ્થાઓ પણ જોડાશે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, આ અભિયાનનો ઉદ્દેશ્ય માદક પદાર્થોના સેવન સામે સામૂહિક જનઆંદોલન ઊભું કરવાનો છે. સમુદાયની ભાગીદારી મજબૂત બનાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, નાગરિક સમાજ જૂથો, ઉદ્યોગ સંગઠનો અને આધ્યાત્મિક સંસ્થાઓને એક મંચ પર લાવવામાં આવશે.
દેશભરમાં દર રવિવારે રમતગમત, વોકાથોન, ધ્યાન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, જાગૃતિ અભિયાન, નુક્કડ નાટક, ચર્ચા મંચ, કલા સ્પર્ધાઓ અને સામુદાયિક ભાગીદારીના કાર્યક્રમો યોજાશે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ આ અભિયાનને સમર્થન આપતાં કહ્યું કે દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમના બાળકો સુરક્ષિત રહે, પોતાના સપનાઓ સાકાર કરે અને જીવનમાં એવી ઓળખ બનાવે જેના પર આખું પરિવાર ગર્વ અનુભવે. તેમણે લોકોને ‘નશા મુક્ત ભારત’ના આ જનઆંદોલન સાથે જોડાવા અપીલ કરી છે.




