પીએમ મોદીનો વીડિયો ફેસબુક પરથી ગાયબ થતા મેટાની માફી, ટેક્નિકલ ખામી હોવાનું સ્પષ્ટીકરણ


ફાઈલ ફોટો
પીએમ મોદીનો વીડિયો ફેસબુક પરથી ગાયબ થતા મેટાની માફી, ટેક્નિકલ ખામી હોવાનું સ્પષ્ટીકરણ


ફાઈલ ફોટો
નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સત્તાવાર વીડિયો ફેસબુક પરથી થોડા સમય માટે ઉપલબ્ધ ન રહેતાં સમગ્ર મામલે ચર્ચા શરૂ થઈ હતી. મેટાએ બાદમાં આ ઘટના બદલ ખેદ વ્યક્ત કરી સ્પષ્ટતા કરી હતી કે વીડિયો કોઈ કાનૂની કાર્યવાહી હેઠળ નહીં, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે હટાયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે મેટા અને ઇન્સ્ટાગ્રામના વૈશ્વિક વડાને સમન્સ પાઠવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સરકાર જાણવા માંગે છે કે વડાપ્રધાનના સત્તાવાર વીડિયો સુધી લોકોની પહોંચ અચાનક કેમ અટકાવવામાં આવી.
28 જુલાઈની વહેલી સવારે ભારતીય યુઝર્સે ફેસબુક પર આ વીડિયો જોવાનો પ્રયાસ કરતાં સ્ક્રીન પર સંદેશ દેખાતો હતો કે "કાનૂની વિનંતીના કારણે ભારતમાં આ વીડિયો પરની પહોંચ મર્યાદિત કરવામાં આવી છે." આ સંદેશ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ હતી.
જોકે, બાદમાં મેટાએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ કાનૂની કાર્યવાહીનું પરિણામ નહોતું, પરંતુ ટેક્નિકલ ગડબડને કારણે વીડિયો અસ્થાયી રીતે અસરગ્રસ્ત થયો હતો. કંપનીએ માફી માગીને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવ્યાનું જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેલ્ફી ફોર્મેટમાં રેકોર્ડ કર્યો હતો, જેમાં તેમણે પેપર લીક મુદ્દો અને તેના સંબંધમાં કેન્દ્ર સરકારની આગામી કાર્યવાહી અંગે ખાસ કરીને દેશના જન-ઝી (Gen Z) યુવાનોને સંબોધિત કર્યા હતા.
આ જ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 24 કલાકમાં 300 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો, જ્યારે ફેસબુક પર તે થોડા સમય માટે ઉપલબ્ધ રહ્યો નહોતો. સમગ્ર ઘટનાક્રમ બાદ કેન્દ્ર સરકાર મેટાની કાર્યપદ્ધતિ પર નજર રાખી રહી છે અને કંપની પાસેથી વિગતવાર સ્પષ્ટતા માંગવામાં આવી શકે છે.




