Get News Alerts

Never miss breaking news updates.

PM નરેન્દ્ર મોદીએ સાણંદમાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું - ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે

Sanand Narendra Modi Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી ઓએસએટી (CG Semi Outsourced Semiconductor Assembly and Test) સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. ભારતના સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે.
Admin
AdminUpdated on: 04 Jul 2026 06:43 PM IST
PM નરેન્દ્ર મોદીએ સાણંદમાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું - ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશેPM નરેન્દ્ર મોદીએ સાણંદમાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું - ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે

Sanand Narendra Modi Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી ઓએસએટી (CG Semi Outsourced Semiconductor Assembly and Test) સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. ભારતના સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ઐતિહાસિક દિવસ છે. સાણંદમાં આવેલી સીજી સેમી ઓએસએટી સુવિધા દેશના ચિપ ઉત્પાદનના ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે, ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત કરશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘પાંચ વર્ષ પહેલાં અમે ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. 'ડિઝાઇન ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા'ના મંત્ર સાથે આગળ વધ્યા છીએ. આજે દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં પણ ચિપ પેકેજિંગનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘2024માં મને આ પ્લાન્ટનું શિલાન્યાસ કરવાની તક મળી હતી. ઓગસ્ટ 2025માં ટેસ્ટિંગ ચિપનું કામ શરૂ થયું હતું અને આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શિલાન્યાસથી લઈને ઉત્પાદન સુધીની આ સફર અનેક લોકોની મહેનતનું પરિણામ છે.’

વડાપ્રધાને જણાવ્યું કે, સીજી સેમીનો આ પ્લાન્ટ ભારત, જાપાન અને થાઈલેન્ડના ઔદ્યોગિક ભાગીદારોના સંયુક્ત પ્રયાસોનું પ્રતિક છે. આ માત્ર એક વ્યાવસાયિક પ્રોજેક્ટ નથી, પરંતુ ટેક્નોલોજી, વિશ્વાસ અને ભાગીદારીનું એવું મોડેલ છે, જે ભારતની સેમિકન્ડક્ટર યાત્રાને નવી ગતિ આપશે.

આ પહેલાં કેન્દ્રીય રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ-આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા 60 વર્ષથી દેશમાં ચિપ ઉદ્યોગ વિકસાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના કારણે હવે આ સપનું સાકાર થઈ રહ્યું છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ‘દેશનો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાને 28 ફેબ્રુઆરીએ પ્રથમ પ્લાન્ટ, 31 માર્ચે બીજો પ્લાન્ટ અને આજે 4 જુલાઈએ ત્રીજા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપી છે, જેમાંથી ત્રણ પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે. તેના કારણે વૈશ્વિક સ્તરે ભારતની સેમિકન્ડક્ટર ક્ષમતામાં નવો વિશ્વાસ ઉભો થયો છે.’

આ પ્લાન્ટ શરૂ થતાં દેશમાં ચિપ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે આયાતી ચિપ પરની નિર્ભરતા ઘટશે. સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન અપાવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.