Surat News: જરૂરિયાતમંદ બાળકોની દિવાળી ખુશહાલ બનાવવા અનોખો પ્રયાસ, 500 સ્માઈલ કીટનું વિતરણ

સંસ્થા દ્વારા પછાત અને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે 500 જેટલી 'દિવાળી સ્માઈલ કીટ' તૈયાર કરવામાં આવી છે અને તેનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. એક કીટની કિંમત આશરે રૂપિયા 300 રાખવામાં આવી છે. આ રીતે કુલ 500 કીટ તૈયાર કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 1.50 લાખ થાય છે. આ કીટમાં બાળકોને દિવાળીના તહેવારની મીઠાશનો અનુભવ કરાવવા માટે મીઠાઈ, ગાંઠિયા, ચેવડો, બિસ્કિટ સહિતનો વિવિધ પ્રકારનો સૂકો નાસ્તો સામેલ કરવામાં આવ્યો છે.

સંસ્થાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો પણ દિવાળીના તહેવારની ખુશીઓથી વંચિત ન રહે અને તેમના ચહેરા પર સ્મિત આવે તેવો છે. ઘણીવાર આર્થિક પરિસ્થિતિને કારણે બાળકો તહેવારોની ઉજવણીનો આનંદ માણી શકતા નથી. આવા બાળકો સુધી તહેવારની ખુશીઓ પહોંચાડવા માટે વૈષ્ણવ ગૌસેવા પરિવારે આ સંકલ્પ લીધો છે.

આ ઉપરાંત સંસ્થા દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને પણ અનાજની કીટ આપવામાં આવે છે, જેથી જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહે.

સંસ્થાના આ પ્રયાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાજના દરેક વર્ગની દિવાળી સારી અને ખુશહાલ બને તેવો છે. માત્ર પોતાના પરિવાર પૂરતી ખુશીઓ સીમિત ન રાખતાં અન્યના જીવનમાં પણ આનંદ અને સ્મિત ફેલાવવાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.





