Para Asian Games: ગુજરાતના 18 ખેલાડીઓનું સન્માન, હર્ષ સંઘવીએ 9.27 કરોડ રૂપિયાથી વધુની ઈનામી રકમ આપી

એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારનારા ખેલાડીઓનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ 18 ખેલાડીઓને રૂ. 9.27 કરોડથી વધુની પ્રોત્સાહક ઈનામી રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ સન્માનમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓ ઉપરાંત વિવિધ રમતોમાં સહભાગી થયેલા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવા ખેલાડીઓએ અડગ મનોબળ અને સખત પરિશ્રમના આધારે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનો ત્રિરંગો લહેરાવ્યો છે. ખેલાડીઓની આ સિદ્ધિ આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનશે. તેમને વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ, માળખાગત સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલને પ્રત્યેકને રૂ. 66 લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી. જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની રાધા યાદવને પણ રૂ. 66 લાખનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.

પેરા એશિયન ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ મોટી ઇનામી રકમ આપવામાં આવી હતી. અંજનાબેન રોહિતભાઈ બુંબડીયાને ગોલ્ડ મેડલ બદલ રૂ. 2 કરોડ આપવામાં આવ્યા. નિમિષા સી.એસ.ને લોંગ જમ્પમાં સિલ્વર મેડલ બદલ રૂ. 1 કરોડ આપવામાં આવ્યા. તેજલબેન ડામોરને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માટે કુલ રૂ. 1.5 કરોડ આપવામાં આવ્યા. રાકેશભાઈ ધનજીભાઈ ભટ્ટને 100 મીટર અને 200 મીટરની દોડમાં બે બ્રોન્ઝ મેડલ બદલ કુલ રૂ. 1 કરોડ આપવામાં આવ્યા. પેરા ટેબલ ટેનિસમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર ભાવિનાબેન પટેલને કુલ રૂ. 75 લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું. જ્યારે સોનલબેન પટેલને બ્રોન્ઝ મેડલ બદલ રૂ. 50 લાખ એનાયત કરાયા હતા. ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતનાર માનુષ શાહને રૂ. 25 લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.

વિવિધ રમતોમાં સહભાગી થયેલા અન્ય ખેલાડીઓને પણ રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી હતી. જેમાં માનવ ઠક્કરને રૂ. 5 લાખ, હરમીત દેસાઈને રૂ. 2.5 લાખ, આર્યન નેહરાને રૂ. 5 લાખ, અંકિતા રૈનાને રૂ. 2.5 લાખ, અનિકેત પટેલને રૂ. 2.5 લાખ, મિતવા ચૌધરીને રૂ. 5 લાખ, ભાવિકકુમાર ભરવાડને રૂ. 5 લાખ અને વિષ્ણુ વાઘેલાને રૂ. 1.65 લાખ આપવામાં આવ્યા હતા. સન્માન સમારોહમાં રમતગમતની વ્યસ્તતા અથવા અન્ય કારણોસર જે ખેલાડીઓ રૂબરૂ હાજર રહી શક્યા નહોતા, તેમને પણ ઈનામી રકમથી વંચિત રાખવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દ્વારા આવા તમામ ખેલાડીઓની પ્રોત્સાહક રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેલાડીઓ, કોચ અને પ્રતિનિધિઓએ રાજ્ય સરકારના આ પ્રોત્સાહક અભિગમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.





