Gujarat Ganeshotsav Security: ગણેશોત્સવની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, ડ્રોન-CCTVથી રહેશે ચાંપતી નજર


ગણેશ સ્થાપના અને વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે. ભીડ નિયંત્રણ, ટ્રાફિક ડાયવર્ઝન તેમજ રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પોલીસ તંત્રને આદેશ અપાયો છે.

ગણેશોત્સવ દરમિયાન મુખ્ય વિસ્તારો અને ગણેશ વિસર્જનના સરઘસ માર્ગો પર CCTV કેમેરા અને ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવશે. સ્થાનિક શાંતિ સમિતિઓ અને ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠકો યોજી પરસ્પર સહયોગથી તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા મારફતે અફવા ફેલાવનાર અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પર પણ પોલીસની નજર રહેશે.

સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ટીયર ગેસ અને રાયોટ કંટ્રોલ સાધનો સાથે પોલીસ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવશે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે.

વિસર્જન રૂટ પર કોઈ અવરોધ કે અડચણ ઊભી ન થાય તે માટે ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને અન્ય ઇમરજન્સી સેવાઓ સાથે સંકલન સાધવા સૂચના આપવામાં આવી છે. જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ વ્યવસ્થા ગોઠવવા પોલીસ તંત્રને જણાવાયું છે.

ગણેશોત્સવ દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રને સહકાર આપવા રાજ્યના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધી સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]




