Chhota Udepur BJP Organizational Visit: તરુણ ચુઘ અને રત્નાકરજીએ કાર્યકર્તાઓ સાથે કરી બેઠકો


જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ સાથેની બેઠકમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીએ દરેક મંડળમાં પ્રત્યેક બૂથની કામગીરીને વધુ સક્રિય બનાવવા અને સંગઠનના વિવિધ સ્તરે સુદૃઢ સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. તેમણે આગામી કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેવાયાત્રાના 25 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ના વિવિધ કાર્યક્રમો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથેની બેઠકમાં તરુણ ચુઘજીએ પોતાના વિસ્તારની જનતા સાથે સતત સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો હતો. સ્થાનિક લોકોના પ્રશ્નો અને અપેક્ષાઓને સમજવા તેમજ તેમના નિરાકરણ માટે અસરકારક રીતે કામગીરી કરવા તેમણે જનપ્રતિનિધિઓને જણાવ્યું હતું. સહકારી આગેવાનો સાથેની બેઠકમાં તેમણે સહકારી ક્ષેત્રને ગ્રામ્ય અર્થતંત્રના સશક્તિકરણનું મહત્વપૂર્ણ માધ્યમ ગણાવ્યું હતું. ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્ર સાથે સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવવા સહકારી આગેવાનોને હાકલ કરી હતી.

મધ્ય ગુજરાતના ભાજપાના આદિવાસી આગેવાનો સાથેની બેઠકમાં તરુણ ચુઘજીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ ગુજરાતની વિકાસયાત્રાનો મહત્વપૂર્ણ ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે વિવિધ કામગીરી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજ અને ભાજપા વચ્ચેનો સંબંધ વર્ષોના પરસ્પર વિશ્વાસ, સંવેદના, સહભાગિતા અને આત્મીયતા પર આધારિત છે. ભાજપાના આગેવાનોને આદિવાસી સમાજના ગામો, પરિવારો અને છેવાડાના નાગરિકો સુધી પહોંચી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે સંગઠનની વાસ્તવિક શક્તિ બૂથના સક્રિય કાર્યકર્તા અને મજબૂત સંગઠનાત્મક વ્યવસ્થામાં રહેલી છે. તેમણે જિલ્લાના તમામ બૂથના સંગઠનાત્મક માળખાને વધુ સક્રિય, સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કાર્યકર્તાઓ અને આગેવાનો વચ્ચે સતત સંવાદ, પરસ્પર સંકલન અને ટીમભાવનાને મજબૂત બનાવવા પર પણ ભાર મૂક્યો હતો.

સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન તરુણ ચુઘજી અને રત્નાકરજીએ દાહોદ લોકસભાના ભાજપા સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. અહીં તેમણે ભાભોરના પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ મુકેશભાઈ રાઠવા, જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપા અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પ્રભારી હિંમતભાઈ પડશાળા સહિત ભાજપાના પદાધિકારીઓ, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]




