ફોટો ગેલેરી

Bhavnagar: ભાવનગરના બોર તળાવ પર ભારતીય વાયુસેનાનો ભવ્ય એર શો, 9 વિમાને આકાશમાં કર્યું કરતબ

Bhavnagar: ભાવનગરના બોર તળાવ ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે નવ હોક વિમાનો સાથે ભવ્ય એર શો યોજ્યો. આકાશમાં તિરંગો રચીને અદભુત કરતબો બતાવ્યાં.
Nancy ShuklaUpdated on: 01 Nov 2026 04:58 PM IST
1 / 5
Gallery Image 1

ગુજરાતના ભાવનગર શહેરમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભવ્ય એર શો યોજીને લોકોમાં દેશભક્તિનો જુસ્સો જગાવ્યો હતો. શહેરના બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે વહેલી સવારે યોજાયેલા આ ઐતિહાસિક પ્રદર્શનમાં વાયુસેનાના નવ હોક Mk-132 વિમાનોએ અદભુત કરતબો બતાવ્યાં હતાં.

2 / 5
Gallery Image 2

ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના એર શોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૂર્યકિરણ ટીમના નવ લાલ અને સફેદ રંગના વિમાનોએ લગભગ 30થી 40 મિનિટ સુધી આકાશમાં વિવિધ એરોબેટિક કરતબો રજૂ કર્યા હતા. આ દરમિયાન ક્લોઝ ફોર્મેશન ફ્લાઇંગ, લૂપ્સ, રોલ્સ, ઇન્વર્ટેડ ફ્લાઇંગ અને વિંગટિપ-ટુ-વિંગટિપ જેવી જટિલ કવાયતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિમાનોએ આકાશમાં ઉડાન દરમિયાન કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડાના પટ્ટા છોડીને તિરંગાની અદભુત રચના કરી હતી. બોર તળાવના કિનારે તેમજ શહેરના વિવિધ સ્થળોએથી લોકોએ આ નજારો નિહાળ્યો હતો.

3 / 5
Gallery Image 3

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી. આ એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ફોર્મેશન ટીમ તરીકે જાણીતી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત હોક Mk-132 વિમાનો સાથે ટીમ અત્યાર સુધીમાં ભારત અને વિદેશમાં 800થી વધુ એર શો કરી ચૂકી છે. ટીમનું સૂત્ર 'સદૈવ સર્વોત્તમ' છે. ગ્રૂપ કેપ્ટન અજય દસરથી ટીમનું નેતૃત્વ કરે છે, જ્યારે વિંગ કમાન્ડર તેજેશ્વરસિંહ ફ્લાઇટ કમાન્ડર તરીકે જવાબદારી સંભાળે છે. ટીમમાં 13 પાઇલટ્સ ઉપરાંત ટેકનિકલ અને ઓપરેશનલ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

4 / 5
Gallery Image 4

એર શો ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા મોટિવેશનલ સ્ટોલ, એર સિમ્યુલેટર અને એરફોર્સ બેન્ડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટિવેશનલ સ્ટોલમાં વિદ્યાર્થીઓને વાયુસેનામાં કારકિર્દીની તકો અને ભરતી પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી. એર સિમ્યુલેટર દ્વારા લોકોએ વિમાન ઉડાડવાનો અનુભવ પણ મેળવ્યો હતો.

5 / 5
Gallery Image 5

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત એર વાઇસ માર્શલ જી.એસ. ભુલ્લર સહિત ગુજરાત સરકારના મંત્રીઓ અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો હતો. એર શોના સફળ આયોજન બદલ ભારતીય વાયુસેનાએ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને ભાવનગરના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.