IND Vs NZ: ન્યૂઝીલેન્ડે છેલ્લી T20I 7 વિકેટથી જીતી, ટીમ ઈન્ડિયાએ 3-2 ના માર્જિનથી સિરીઝ જીતી


IND Vs NZ
IND Vs NZ: ન્યૂઝીલેન્ડે છેલ્લી T20I 7 વિકેટથી જીતી, ટીમ ઈન્ડિયાએ 3-2 ના માર્જિનથી સિરીઝ જીતી


IND Vs NZ
IND Vs NZ: હેમિલ્ટનમાં રમાયેલી પાંચમી અને અંતિમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવીને જીત સાથે સિરીઝનો અંત કર્યો હતો. પરંતુ ભારતીય ટીમે પ્રથમ ત્રણ મેચ જીતીને સિરીઝ પર કબજો જમાવી લીધો હતો અને 3-2થી સિરીઝ પોતાના નામે કરી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે આ સિરીઝ ફિલ્ડિંગની નબળાઈને કારણે પણ યાદગાર રહી. ટીમે સમગ્ર સિરીઝમાં કુલ 15 કેચ છોડ્યા હતા, જે તેના પ્રદર્શન પર સવાલ ઊભા કરે છે.
સંજુ સેમસન અને અભિષેક શર્માની નિષ્ફળ શરૂઆત
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર એડમ મિલ્ને સંજુ સેમસન અને અભિષેક શર્માને વહેલી પેવેલિયન ભેગા કર્યા હતા. સંજુ સેમસન માત્ર 4 રન અને અભિષેક 1 રન બનાવી શક્યો હતો. ભારતે 19 રનમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી.
ઈશાન અને શ્રેયસે સંભાળી ભારતીય ઈનિંગ
2 વિકેટ પડ્યા બાદ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે ભારતીય ઈનિંગને સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 93 રનની પાર્ટનરશીપ થઈ હતી. શ્રેયસ ઐયરે 23 બોલમાં 50 રન ફટકાર્યા હતા, જ્યારે ઈશાન કિશને 32 બોલમાં 61 રનની આક્રમક ઈનિંગ રમી હતી. ઈશાન કિશનની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો હતો.
ત્યારબાદ નીતિશ કુમાર રેડ્ડીએ 22 અને નમન ધીરે 33 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 191 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી એડમ મિલ્નેએ 4 વિકેટ ઝડપી હતી.
ટિમ સાઈફર્ટે ભારત પાસેથી જીત છીનવી
192 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત પણ સારી રહી ન હતી. અર્શદીપ સિંહે ફિન એલનને માત્ર 2 રનના સ્કોરે આઉટ કર્યો હતો. પરંતુ ત્યારબાદ ટિમ સાઈફર્ટ અને ડેરિલ મિચેલે ઈનિંગ સંભાળી હતી. ડિરેલ મિચેલે 29 રન બનાવ્યા હતા, જ્યારે સાઈફર્ટે 50 બોલમાં 93 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેની ઈનિંગનો અંત નીતિશ કુમાર રેડ્ડીએ લાવ્યો હતો.
ગ્લેન ફિલિપ્સે અપાવી જીત
ચોથી T20 મેચમાં સદી ફટકારનાર ગ્લેન ફિલિપ્સે ફરી એકવાર ભારતીય બોલર્સ સામે આક્રમક બેટિંગ કરી હતી. તેને 38 બોલમાં અણનમ 65 રન બનાવ્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 192 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને મેચ 7 વિકેટે જીતી હતી. પરંતુ સિરીઝ ભારતે 3-2થી પોતાના નામે કરી હતી.





