પેરિસમાં ફ્રાન્સના પ્રથમ પરંપરાગત BAPS હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, ભક્તો માટે ખુલ્યા દ્વાર


સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે BAPS અક્ષરધામ સંસ્થાના વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ સંપન્ન થઈ હતી. મંદિરમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધા-કૃષ્ણ ભગવાન, શ્રી સીતા-રામ ભગવાન સાથે શ્રી લક્ષ્મણજી અને શ્રી હનુમાનજી સહિત વિવિધ દેવી-દેવતાઓ અને ગુરુ પરંપરાની મૂર્તિઓની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મહંતસ્વામી મહારાજે વિશ્વમાં શાંતિ, તમામ ધર્મો વચ્ચે પ્રેમ-સદભાવ અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે મંદિર ખાતે પ્રથમ પ્રાર્થના કરી હતી.

13 દિવસ સુધી ચાલનારા મંદિર મહોત્સવમાં ભાગ લેવા માટે ભારત, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ સહિત 40થી વધુ દેશોમાંથી લોકો પેરિસ પહોંચ્યા છે. મંદિર નિર્માણમાં પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને વૈદિક શિલ્પશાસ્ત્રની પરંપરાને આધુનિક ફ્રેન્ચ ટેક્નોલોજી સાથે જોડવામાં આવી છે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પેરિસમાં ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત, કલા અને ભક્તિમય રજૂઆતો સાથે યોજાયેલી આ યાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ નૃત્ય કલાકારો અને 14 સુશોભિત રથો સામેલ થયા હતા. આ નગરયાત્રા એફિલ ટાવર અને એકોલ મિલિટેર સહિતના મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થઈને પ્લાસ દ લા કોંકોર્ડ ખાતે પૂર્ણ થઈ હતી. નગરયાત્રા દરમિયાન ભારતીય કલા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાની ઝલક જોવા મળી હતી.

પેરિસમાં ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ ગુરુ યોગીજી મહારાજે વર્ષ 1970માં કર્યો હતો. ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજે પોતાની આધ્યાત્મિક વિદેશ યાત્રાઓ દરમિયાન ફ્રાન્સમાં સત્સંગની પ્રવૃત્તિને આગળ વધારી હતી. વર્ષ 2021માં મંદિરનું ભૂમિપૂજન અને 2022માં શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ વર્ષ 2026માં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.

આ મંદિર આશરે 5,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. મંદિરના ઉપરના ભાગમાં પરંપરાગત મંદિર અને નીચે સાંસ્કૃતિક કેન્દ્ર સાથે સુંદર હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના નિર્માણમાં ભારત ઉપરાંત ઇટાલી, ગ્રીસ અને વિયેતનામમાંથી મેળવવામાં આવેલા સંગમરમર તેમજ ગ્વાલિયરના રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં 5 શિખર, 10 વિશાળ ગુંબજ, 20 નકશીકામ કરેલા સ્તંભ, 120 ગવાક્ષ, 49 ચરિત્ર શિલ્પ પ્રતિમાઓ અને 4 સુશોભિત છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. મંદિર પરિસરમાં સભાખંડ, વર્ગખંડો, રમતગમત માટેના રૂમ, પ્રદર્શન સ્થળ અને કાર્યાલયો સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

ફ્રાન્સની ધરતી પર સ્થાપિત આ પરંપરાગત હિન્દુ મંદિર ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે. મંદિર પ્રેમ, સદભાવ, એકતા અને વિશ્વકલ્યાણના સંદેશના જીવંત પ્રતીક તરીકે કાર્ય કરશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



