કોળીયાક ભાદરવી અમાસ લોકમેળાની તડામાર તૈયારીઓ, વહીવટી તંત્રએ કામગીરીને આપ્યો આખરી ઓપ



Koliak Bhadarvi Amavas Lok Mela
કોળીયાક ભાદરવી અમાસ લોકમેળાની તડામાર તૈયારીઓ, વહીવટી તંત્રએ કામગીરીને આપ્યો આખરી ઓપ



Koliak Bhadarvi Amavas Lok Mela
Koliak Bhadarvi Amavas Lok Mela: ભાવનગર તાલુકાના કોળીયાક ગામે આવેલા ઐતિહાસિક નિષ્કલંક મહાદેવ ખાતે આગામી 10 અને 11 સપ્ટેમ્બરે ભાદરવી અમાસનો લોકમેળો યોજાશે. મેળાને લઈને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળાના સુચારુ સંચાલન માટે કલેક્ટર કચેરી ખાતે ગ્રામ્ય પ્રાંત અધિકારી તમન્ના ઝાલોડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સુરક્ષા અને સુવિધાઓ પર ખાસ ભાર
મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. મેળા સ્થળે ફાયર ફાઈટર, મોબાઈલ શૌચાલય, પાર્કિંગ વ્યવસ્થા, વિશેષ રેસ્ક્યુ ટીમ અને મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવશે.
સમુદ્રમાં બચાવ કામગીરી માટે બોટની વ્યવસ્થા
નિષ્કલંક મહાદેવ ખાતે દરિયાઈ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોવાથી સમુદ્રમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બચાવ કામગીરી માટે બોટ અને રેસ્ક્યુ ટીમ તૈનાત રહેશે. આ ઉપરાંત ભક્તોની અવરજવર સરળ બને તે માટે વધારાની એસ.ટી. બસો દોડાવવામાં આવશે.
પોલીસ પેટ્રોલિંગ અને બેરિકેડિંગ રહેશે
મેળા દરમિયાન સતત પોલીસ પેટ્રોલિંગ, મજબૂત બેરિકેડિંગ, લાઈટિંગ અને માઈક વ્યવસ્થા પણ કરવામાં આવશે. સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરીની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તેમજ શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



