અમદાવાદની 94 વર્ષ જૂની પાંચકુવા પોલીસ ચોકીનું નવીનીકરણ: 20 પોલીસકર્મીઓની રહેશે સતત હાજરી

અમદાવાદના સંવેદનશીલ કાલુપુર વિસ્તારમાં આવેલી 94 વર્ષ જૂની પાંચકુવા પોલીસ ચોકીને હવે નવું સ્વરૂપ મળ્યું છે. વર્ષ 1932થી કાર્યરત આ જર્જરિત પોલીસ ચોકીનું સ્થાનિક મહાજન મંડળ અને આગેવાનોના સહયોગથી નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવી ચોકીમાં આશરે 20 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સતત હાજરીથી વિસ્તારમાં સુરક્ષા અને પોલીસ સર્વેલન્સ વધુ મજબૂત બનશે.
Rahul Desai
Rahul Desai
અમદાવાદની 94 વર્ષ જૂની પાંચકુવા પોલીસ ચોકીનું નવીનીકરણ: 20 પોલીસકર્મીઓની રહેશે સતત હાજરીઅમદાવાદની 94 વર્ષ જૂની પાંચકુવા પોલીસ ચોકીનું નવીનીકરણ: 20 પોલીસકર્મીઓની રહેશે સતત હાજરી

અમદાવાદ: શહેરના સૌથી અગત્યના અને સંવેદનશીલ પોલીસ સ્ટેશનોમાં સામેલ કાલુપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલી પાંચકુવા પોલીસ ચોકીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. વર્ષ 1932થી કાર્યરત આ પોલીસ ચોકી આશરે 94 વર્ષ જૂની છે. જર્જરિત બનેલી ચોકીનો સ્થાનિક મહાજન મંડળ અને આગેવાનોના સહયોગથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

પાંચકુવા વિસ્તારમાં પોલીસની હાજરી વધારવા તેમજ સ્થાનિક લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ ચોકીને આધુનિક સુવિધાઓ સાથે નવીનીકૃત કરવામાં આવી છે.

આશરે 20 પોલીસ અધિકારી-કર્મચારીઓ રહેશે હાજર

નવીનીકરણ બાદ પોલીસ ચોકીના ગ્રાઉન્ડ ફ્લોર પર PSI સહિત પોલીસ સ્ટાફ સતત ફરજ પર રહેશે. જ્યારે પ્રથમ માળે સર્વેલન્સ ટીમ સાથે PSI સહિત કુલ 13 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત રહેશે.

આમ, સમગ્ર પાંચકુવા પોલીસ ચોકીમાં આશરે 20 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સતત હાજરી રહેશે. જેના કારણે વિસ્તારમાં પેટ્રોલિંગ, સર્વેલન્સ અને કાયદો-વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બનશે.

પોલીસ સ્ટાફ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરાઈ

નવીનીકરણ દરમિયાન પોલીસ સ્ટાફની સુવિધાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચોકીમાં વોશરૂમ સહિતની જરૂરી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને વધુ સારી કાર્યસુવિધા મળી રહે.

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોલીસ ચોકીના નવીનીકરણમાં સહયોગ આપનાર સ્થાનિક મહાજન મંડળ અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સાથે તેમણે જોઈન્ટ સીપી નીરજ બડગુજર, ડીસીપી રૂપલ, પીઆઈ વાઘેલા અને સમગ્ર પોલીસ ટીમને કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.