ઓપરેશન ડેલ્ટા હંટ અમદાવાદમાં 500થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા



ઓપરેશન ડેલ્ટા હંટ અમદાવાદમાં 500થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા



અમદાવાદ: ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ચલાવવામાં આવેલા વિશાળ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હંટ’માં અત્યાર સુધીમાં મોટો ખુલાસો થયો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાંથી કુલ 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.
ડેપ્યુટી સીએમ દ્વારા બે દિવસ પહેલા આપવામાં આવેલી સૂચના બાદ આ ઓપરેશનને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યું હતું. અમદાવાદમાં જ 30થી વધુ પોલીસ ટીમો બનાવીને ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ, SOG, EOW અને સાઇબર ક્રાઇમની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાત્રે 8 વાગ્યાથી શરૂ કરાયેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન માત્ર અમદાવાદમાં જ અંદાજે 300 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તપાસ બાદ 192 જેટલા લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે, જ્યારે 100થી વધુ શંકાસ્પદોની તપાસ ચાલુ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો પૈકી ઘણા એજન્ટોના માધ્યમથી વેસ્ટ બંગાળના આધારકાર્ડના આધાર પર નકલી દસ્તાવેજો બનાવી સિમકાર્ડ મેળવી રહ્યા હતા. મોબાઇલ એનાલિસિસમાં પણ બાંગ્લાદેશ સાથે સતત સંપર્ક હોવાનું સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું છે કે સૌથી વધુ ધરપકડ નારોલ વિસ્તારમાંથી થઈ છે, જ્યારે સરખેજ, સરદારનગર, નરોડા, વટવા અને વટવા GIDC જેવા વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વસવાટ મળી આવ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ આ લોકો વેસ્ટ બંગાળ બોર્ડર મારફતે ભારતમાં ઘૂસણખોરી કરીને ટ્રેન દ્વારા ગુજરાત સુધી પહોંચતા હતા. એજન્ટોને પ્રતિ વ્યક્તિ ₹50,000 થી ₹1,00,000 સુધીની રકમ ચૂકવવામાં આવતી હતી.
કેટલાક કેસોમાં સ્પા અને ઘરઘાટી નોકરીના બહાને મહિલાઓને પણ બોલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ સમગ્ર નેટવર્કના એજન્ટો, ફંડિંગ ચેન અને દસ્તાવેજ બનાવનાર ગેંગની તપાસ કરી રહી છે.
હાલ તમામ પકડાયેલા લોકોની ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે એજન્ટો સામે કાયદેસર ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.




