UPI RECORD: ઑક્ટોબરમાં દરરોજ ₹1 લાખ કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન, કુલ ચુકવણી ₹31.53 લાખ કરોડે પહોંચી

UPI RECORD: દેશમાં ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)એ ઑક્ટોબર 2026માં નવો રેકોર્ડ બનાવ્યો છે.ઑક્ટોબરમાં UPI દ્વારા દરરોજ થતું સરેરાશ ટ્રાન્ઝેક્શન પ્રથમ વખત ₹1 લાખ કરોડને પાર ગયું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 01 Nov 2026 03:34 PM IST
UPI RECORD: ઑક્ટોબરમાં દરરોજ ₹1 લાખ કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન, કુલ ચુકવણી ₹31.53 લાખ કરોડે પહોંચીUPI RECORD: ઑક્ટોબરમાં દરરોજ ₹1 લાખ કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન, કુલ ચુકવણી ₹31.53 લાખ કરોડે પહોંચી

UPI RECORD

UPI RECORD: દેશમાં ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)એ ઑક્ટોબર 2026માં નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)ના આંકડા અનુસાર, ઑક્ટોબરમાં UPI દ્વારા દરરોજ થતું સરેરાશ ટ્રાન્ઝેક્શન પ્રથમ વખત ₹1 લાખ કરોડને પાર ગયું છે. તહેવારોની સિઝનમાં વધેલી ખરીદી આ વૃદ્ધિનું મુખ્ય કારણ માનવામાં આવે છે. સમગ્ર મહિનામાં UPI દ્વારા કુલ ₹31.53 લાખ કરોડનું પેમેન્ટ થયું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે.

આ પ્રથમ વખત બન્યું છે જ્યારે એક જ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય ₹30 લાખ કરોડની સપાટી વટાવી ગયું હોય. ઑક્ટોબરના આંકડાઓએ અગાઉના માસિક અને દૈનિક સરેરાશના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે.

સપ્ટેમ્બર અને મે મહિનાના જૂના રેકોર્ડ તૂટ્યા

ઑક્ટોબર પહેલાં દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શનનો સૌથી મોટો રેકોર્ડ સપ્ટેમ્બર 2026માં નોંધાયો હતો. તે સમયે UPI દ્વારા દરરોજ સરેરાશ આશરે ₹98,000 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. જ્યારે એક મહિનામાં કુલ ટ્રાન્ઝેક્શનના મૂલ્યનો અગાઉનો રેકોર્ડ મે 2026માં બન્યો હતો. મે મહિનામાં કુલ ₹29.9 લાખ કરોડનું પેમેન્ટ થયું હતું. ઑક્ટોબરના ₹31.53 લાખ કરોડના આંકડાએ બંને રેકોર્ડને પાછળ છોડી દીધા છે.

એક મહિનામાં 25.47 અબજ ટ્રાન્ઝેક્શન

ટ્રાન્ઝેક્શનની સંખ્યાની દૃષ્ટિએ પણ ઑક્ટોબર મહિનો આગળ રહ્યો છે. આ મહિનામાં કુલ 25.47 અબજ એટલે કે 2,547 કરોડ UPI ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થયાં હતાં. આ મુજબ દરરોજ સરેરાશ આશરે 82.1 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયાં હતાં.

આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં દરરોજ સરેરાશ 80.2 કરોડ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ નોંધાયો હતો. જ્યારે એક મહિનામાં સૌથી વધુ 24.5 અબજ ટ્રાન્ઝેક્શનનો અગાઉનો રેકોર્ડ ઑગસ્ટ 2026માં બન્યો હતો.

NPCIના આંકડા મુજબ, 30 દિવસની સરખામણીએ 31 દિવસ ધરાવતા મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનનું કુલ પ્રમાણ વધુ રહેવાની શક્યતા હોય છે, કારણ કે ગ્રાહકોને ખર્ચ અને પેમેન્ટ માટે એક વધારાનો દિવસ મળે છે. હાલમાં દેશના કુલ ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો આશરે 89 ટકા હોવાનું જણાવાયું છે.

દિવાળી બાદ કેટલાક UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જની તૈયારી

UPIના ઉપયોગમાં આ રેકોર્ડબ્રેક વૃદ્ધિ એવા સમયે નોંધાઈ છે, જ્યારે પેમેન્ટ ક્ષેત્રમાં કેટલાક ચોક્કસ UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. ગયા મહિને NPCIએ આ ચાર્જ લાગુ કરવાની પ્રક્રિયા દિવાળી બાદ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.

વેપારી સંગઠનો, ફિનટેક કંપનીઓ અને પેમેન્ટ સંસ્થાઓએ તહેવારોની ખરીદીની સિઝન પહેલાં MDR લાગુ થવાથી ગ્રાહકોના ખર્ચ અને ખરીદીના વલણ પર અસર થવાની આશંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત MDRના દર, નીતિ અને અમલીકરણની પદ્ધતિ અંગે પણ મતભેદ હતા. આ કારણોસર ચાર્જ લાગુ કરવાની પ્રક્રિયા દિવાળી બાદ સુધી મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી હતી.

ઑક્ટોબરના આંકડા દર્શાવે છે કે તહેવારોની ખરીદી દરમિયાન દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધુ વધ્યો છે. UPI હવે રોજિંદા નાણાકીય વ્યવહારોનો મહત્ત્વનો ભાગ બની ગયું છે.

આ પણ વાંચો : India Australia: જંગલ, સમુદ્ર અને દરિયાકાંઠે 36 કલાક સુધી ભારત-ઓસ્ટ્રેલિયાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.