અમદાવાદમાં પ્રથમવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન, 19 દેશોના 200થી વધુ ખેલાડીઓ બનશે સાક્ષી



World Archery Para Series 2026 Ahmedabad
અમદાવાદમાં પ્રથમવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન, 19 દેશોના 200થી વધુ ખેલાડીઓ બનશે સાક્ષી



World Archery Para Series 2026 Ahmedabad
World Archery Para Series 2026 Ahmedabad: ભારત પ્રથમવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની યજમાની કરવા જઈ રહ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 19 દેશોના આશરે 200 ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેશે. આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, W1 અને વિઝ્યુઅલી ઈમ્પેયર્ડ કેટેગરીમાં ખેલાડીઓ વચ્ચે મુકાબલો થશે.

સ્પર્ધાનું ઔપચારિક ઉદ્ઘાટન 4 સપ્ટેમ્બરે શેલા સ્થિત ધ ફોરમ હોટેલ એન્ડ કન્વેન્શન ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. ભારત તરફથી પેરિસ 2024 પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિંદર સિંહ, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન શીતલ દેવી, અર્જુન એવોર્ડ વિજેતા રાકેશ કુમાર અને પેરાલિમ્પિયન શ્યામ સુંદર સ્વામી સહિતના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે.

પેરિસ 2024માં હરવિંદર સિંહે મેન્સ ઇન્ડિવિજ્યુઅલ રિકર્વ ઓપનમાં ભારતને આર્ચરીમાં પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ અપાવ્યો હતો. જ્યારે શીતલ દેવીએ 2025 વર્લ્ડ આર્ચરી પેરા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને ભારતની પ્રથમ વ્યક્તિગત પેરા આર્ચરી વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. સ્પર્ધામાં ગ્રેટ બ્રિટનની જેસિકા સ્ટ્રેટન અને ફોબી પેટરસન પાઈન સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. ચીન સહિત અનેક દેશોની મજબૂત ટીમો પણ અમદાવાદમાં ઉતરશે.

5થી 7 સપ્ટેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ પાર્કિંગ વિસ્તારમાં ક્વોલિફિકેશન રાઉન્ડ યોજાશે. જ્યારે 8 અને 9 સપ્ટેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ પ્લાઝા ખાતે ફાઇનલ અને મેડલ સેરેમની યોજાશે. આ સ્પર્ધા આગામી પેરા એશિયન ગેમ્સની તૈયારીઓ માટે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક તક પણ પૂરી પાડશે. અમદાવાદમાં આ પ્રકારની વૈશ્વિક પેરા આર્ચરી સ્પર્ધાનું આયોજન ભારતની આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધતી ક્ષમતાને દર્શાવે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



