Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સમાં ભારતનો ડંકો, PM મોદી 5 નવેમ્બરે ખેલાડીઓ સાથે કરશે વાતચીત

Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026માં 114 મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે PM મોદી 5 નવેમ્બરે મુલાકાત કરશે અને તેમનું સન્માન કરશે.
Nancy Shukla
Asian Para Games 2026: ખેલાડીઓને 5 નવેમ્બરે મળશે PM મોદીAsian Para Games 2026: ખેલાડીઓને 5 નવેમ્બરે મળશે PM મોદી

Asian Para Games 2026: ખેલાડીઓને 5 નવેમ્બરે મળશે PM મોદી

Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026માં ઐતિહાસિક પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારનારા ભારતીય ખેલાડીઓનું સન્માન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 નવેમ્બરના રોજ તેમની સાથે મુલાકાત કરશે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંજે 4:30 કલાકે આ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન ખેલાડીઓ સાથે સંવાદ કરવાની સાથે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે.

આ કાર્યક્રમમાં એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ, તેમના કોચ, ભારતીય પેરાલિમ્પિક સમિતિ અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય રમતગમત સંઘોના પ્રતિનિધિઓ તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના અધિકારીઓ પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

ભારતે 114 મેડલ જીતી રચ્યો ઈતિહાસ

આ વર્ષે જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારતના કુલ 97 પેરા ખેલાડીઓએ શાનદાર દેખાવ કરીને કુલ 114 મેડલ જીત્યા હતા. જેમાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે ભારતે વર્ષ 2023માં ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલી સ્પર્ધામાં જીતેલા 111 મેડલનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. તે સમયે ભારતે 29 ગોલ્ડ, 21 સિલ્વર અને 51 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને

આ ઐતિહાસિક સફળતા સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા ક્રમે રહ્યું હતું. પેરા એથ્લેટિક્સમાં ભારતે સૌથી વધુ 65 મેડલ જીત્યા હતા. જેમાં 22 ગોલ્ડ, 19 સિલ્વર અને 24 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. જ્યારે પેરા આર્ચરી અને પેરા બેડમિન્ટનમાં 3-3 ગોલ્ડ મેડલ મળ્યા હતા.

શૂટિંગમાં પણ ભારતે 2 ગોલ્ડ સહિત કુલ 5 મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં ચીન 435 મેડલ સાથે પ્રથમ, જાપાન 186 સાથે બીજા અને ઉઝબેકિસ્તાન 145 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. ભારતના આ શાનદાર પ્રદર્શનની વડાપ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી હતી. હવે 5 નવેમ્બરે ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન તેમનું મનોબળ વધારશે.

આ પણ વાંચો: Ind Vs NZ: વિરાટ કોહલીની તોફાની અડધી સદીથી ભારતની જીત, ન્યૂઝીલેન્ડને પ્રથમ વનડેમાં 5 વિકેટે હરાવ્યું