Mohammed Shami Retirement: મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, 13 વર્ષના સફરનો ભાવુક અંત

Mohammed Shami Retirement: ભારતીય ક્રિકેટના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
Nisha Parmar
Nisha Parmar
Mohammed Shami announces retirement મોહમ્મદ શમી ટેસ્ટ નિવૃત્તિMohammed Shami announces retirement મોહમ્મદ શમી ટેસ્ટ નિવૃત્તિ

Mohammed Shami announces retirement મોહમ્મદ શમી ટેસ્ટ નિવૃત્તિ

Mohammed Shami Retirement: ભારતીય ક્રિકેટના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 36 વર્ષીય શમીએ 6 નવેમ્બર, 2026ના રોજ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહ્યું હતું. પોતાની વિદાય પોસ્ટમાં તેમણે લખ્યું કે ભારતની ટેસ્ટ જર્સી પહેરવાનું તેમના માટે માત્ર ક્રિકેટ નહોતું, પરંતુ દેશ માટે કંઈક કરી બતાવવાનું સપનું હતું. 13 વર્ષ સુધી સફેદ જર્સીમાં રમ્યા બાદ હવે તેમની ટેસ્ટ સફરનો અંત આવ્યો છે.

'સફેદ જર્સીને અલવિદા, યાદો હંમેશાં સાથે રહેશે'

શમીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે ટેસ્ટ ક્રિકેટ તેમના માટે માત્ર એક ફોર્મેટ નહીં, પરંતુ જીવનનો અત્યંત ખાસ હિસ્સો રહ્યું છે. કારકિર્દી દરમિયાન મળેલી દરેક વિકેટ, સંઘર્ષ, ઈજા અને મેદાન પર કરેલા દરેક કમબેકે તેમને કંઈક શીખવ્યું છે.

તેમણે સાથી ખેલાડીઓ, કોચ, પરિવારજનો અને મુશ્કેલ તથા સારા સમયમાં સાથ આપનારા કરોડો ભારતીય ચાહકોનો આભાર માન્યો હતો. સાથે જ BCCI અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)નો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

શમીએ પોતાની પોસ્ટમાં ભાવુક શબ્દોમાં કહ્યું કે મેદાન પર તેમની છેલ્લી ટેસ્ટ બોલ ભલે ફેંકાઈ ગઈ હોય, પરંતુ ભારત માટે રમવાનો ગર્વ હંમેશાં તેમના દિલમાં જીવંત રહેશે.

13 વર્ષ પહેલાં કર્યું હતું ટેસ્ટ ડેબ્યૂ

મોહમ્મદ શમીએ 6 નવેમ્બર, 2013ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે ટેસ્ટ કારકિર્દીની શરૂઆતના બરાબર 13 વર્ષ બાદ તેમણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

ભારત તરફથી રમેલી 64 ટેસ્ટ મેચમાં શમીએ કુલ 229 વિકેટ ઝડપી હતી. તેમનો બોલિંગ સરેરાશ 27.71 રહ્યો હતો. આ દરમિયાન તેમણે છ વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી હતી. તેમની છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હતી, જે ઇંગ્લેન્ડના ધ ઓવલ મેદાન પર રમાઈ હતી.

ઈજાઓ સામે લડીને અનેક વખત કર્યું કમબેક

શમીની ટેસ્ટ સફરમાં સફળતાની સાથે ઈજાઓનો પડકાર પણ રહ્યો હતો. 2023ના વનડે વર્લ્ડ કપ બાદ તેમના પગની ઘૂંટીની સર્જરી થઈ હતી. ત્યારબાદ ઘૂંટણની તકલીફને કારણે તેઓ લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યા હતા.

જાન્યુઆરી 2025માં તેમણે T20 ક્રિકેટ દ્વારા મેદાન પર વાપસી કરી હતી. ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં પણ તેમને સ્થાન મળ્યું હતું. જોકે, ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલ બાદ તેઓ ભારતીય ટીમ તરફથી કોઈપણ ફોર્મેટમાં રમ્યા નહોતા. આ દરમિયાન તેઓ IPL અને ઘરેલુ ક્રિકેટમાં બંગાળ તરફથી રમતા રહ્યા હતા.

વનડે અને T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય લેવાનો અર્થ એવો નથી કે શમી ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર થઈ રહ્યા છે. તેઓ વનડે અને T20 જેવા મર્યાદિત ઓવરના ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. જરૂરિયાત મુજબ ફિટનેસ જાળવવા માટે ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ રમી શકે છે.

આ રીતે ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં 13 વર્ષ સુધી પોતાની ઝડપી બોલિંગથી ઓળખ બનાવનાર મોહમ્મદ શમી હવે સફેદ જર્સીમાં જોવા નહીં મળે. જોકે, દેશ માટે રમવાનો ગર્વ અને ટેસ્ટ કારકિર્દીની યાદો તેમના માટે હંમેશાં ખાસ રહેશે.

આ પણ વાંચો : Una News: પાલડી ગામે ખાડીમાં ડૂબી જતાં 14 વર્ષીય બાળકીનું મોત