Kutchની દીકરી સભાઈ ગઢવીની ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી, કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ


Kutch - Sabhai Gadhvi
Kutchની દીકરી સભાઈ ગઢવીની ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી, કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ


Kutch - Sabhai Gadhvi
Kutch: કચ્છની દીકરી સભાઈ ગઢવીએ પોતાની મહેનત, પ્રતિભા અને સંઘર્ષના બળે રમતગમતના ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની ખેડૂત પરિવારની દીકરી સભાઈની ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી થઈ છે. તેઓ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી ફેલાઈ છે.
ગામની શાળાથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર
સભાઈ ગઢવીની સફળતાની સફર મોટા ભાડિયા પ્રાથમિક શાળા નંબર-2થી શરૂ થઈ હતી. પ્રાથમિક સ્તરેથી કબડ્ડી પ્રત્યેનો રસ અને રમત પ્રત્યેની લગન તેમને આગળ વધવા માટે પ્રેરણા આપતાં રહ્યાં. ત્યારબાદ તેમણે મોરબીની નવજીવન વિદ્યાલયમાં કબડ્ડીની તાલીમ મેળવી અને પોતાની રમતને વધુ નિખારી હતી.
ખેડૂત પરિવારની દીકરી તરીકે સભાઈએ પોતાની પ્રતિભા અને મહેનતના આધારે આ મુકામ હાંસલ કરીને અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુજરાતમાંથી એકમાત્ર ખેલાડી તરીકે પસંદગી
સભાઈની આ સિદ્ધિની વિશેષતા એ છે કે સમગ્ર ગુજરાતમાંથી ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી પામનાર તે એકમાત્ર ખેલાડી હોવાનું જણાવાયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી તેમના માટે ગૌરવની બાબત છે.
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026માં તેઓ ભારતીય ટીમ તરફથી મેદાનમાં ઉતરીને દેશ માટે બેસ્ટ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. તેની પસંદગીથી રાજ્યના રમતપ્રેમીઓ અને કબડ્ડીના ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ છે.
કચ્છ જિલ્લા વહીવટી તંત્રે પાઠવ્યાં અભિનંદન
સભાઈ ગઢવીની આ સિદ્ધિ બદલ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. ગામડાની શાળાથી શરૂ થયેલી તેમની રમતગમતની સફર આજે રાષ્ટ્રીય ટીમ સુધી પહોંચી છે, જે સ્થાનિક સ્તરે રમતગમતના વિકાસ અને પ્રતિભાશાળી ખેલાડીઓને મળતી તકોનું મહત્ત્વ દર્શાવે છે.
સભાઈની સફળતા કચ્છ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. તેમની આ સિદ્ધિ રાજ્યની અન્ય યુવતીઓને પણ રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવા અને દેશનું નામ રોશન કરવા પ્રેરણા પૂરી પાડશે.
આ પણ વાંચો: Ind Vs Zim: ભારતે ઝિમ્બાબ્વેને વનડે સિરીઝમાં કર્યું ક્લીન સ્વીપ, વૈષ્ણવી શર્માએ લીધી 5 વિકેટ





