Jamshed Alam: જમશેદ આલમે રચ્યો ઈતિહાસ, T20 ડેબ્યૂમાં સતત 4 બોલમાં 4 વિકેટ ઝડપી

Jamshed Alam: જમશેદ આલમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે ડેબ્યૂ મેચમાં સતત 4 બોલમાં 4 વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો.
Nancy Shukal
Nancy Shukal
Jamshed Alam: જમશેદ આલમે ડેબ્યૂ મેચમાં રચ્યો ઈતિહાસJamshed Alam: જમશેદ આલમે ડેબ્યૂ મેચમાં રચ્યો ઈતિહાસ

Jamshed Alam: જમશેદ આલમે ડેબ્યૂ મેચમાં રચ્યો ઈતિહાસ

Jamshed Alam: T20 ક્રિકેટમાં એક જ ઓવરમાં 2 કે 3વિકેટ ઝડપવી પણ બોલર માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. પરંતુ રેલવેના ફાસ્ટ બોલર જમશેદ આલમે પોતાની ડેબ્યૂ મેચમાં સતત 4 બોલમાં 4 વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે આ શાનદાર પ્રદર્શન સાથે તે T20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે.

ઉત્તર પ્રદેશના રહેવાસી જમશેદ આલમે 22 નવેમ્બરે ઈન્દોરમાં રમાયેલી મેચમાં પોતાની ઘાતક બોલિંગથી સૌરાષ્ટ્રની બેટિંગ લાઈનઅપને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. રેલવેએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમને જમશેદે પોતાની પહેલી જ ઓવરમાં મોટો ઝટકો આપ્યો હતો.

ચોથી ઓવરમાં સતત 4 બોલમાં 4 વિકેટ

સૌરાષ્ટ્રની ઈનિંગની ચોથી ઓવર નાખવા આવેલા જમશેદે ચોથા બોલે હાર્વિક દેસાઈને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદના બોલે પ્રેરક માંકડને બોલ્ડ કર્યો હતો. ત્રીજા બોલે રૂચિત અહીર વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો હતો, જ્યારે ચોથા બોલે સમર ગજ્જર LBW આઉટ થયો હતો. આમ, જમશેદે સતત 4 બોલમાં ચાર બેટર્સને પેવેલિયન ભેગા કરીને ખાસ સિદ્ધિ મેળવી હતી.

જમશેદ અહીં જ અટક્યો ન હતો. પોતાની આગલી ઓવરમાં તેને સિદ્ધાર્થ રાણાને LBW આઉટ કરીને પાંચમી વિકેટ પણ ઝડપી હતી. આ રીતે તેને માત્ર 9 બોલમાં 5 વિકેટ પોતાના નામે કરી હતી. મેન્સ T20 ડેબ્યૂ મેચમાં 5 વિકેટ ઝડપનાર તે ભારતનો છઠ્ઠો બોલર પણ બન્યો છે.

રેલવેએ 29 રનથી મેચ જીતી

જમશેદની શાનદાર બોલિંગ સામે સૌરાષ્ટ્રની ટીમ એક સમયે 30 રનમાં 6 વિકેટ ગુમાવી ચૂકી હતી. પરંતુ ત્યારબાદ ટીમે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 153 રન જ બનાવી શકી હતી. આ સાથે રેલવેએ 29 રનથી મેચ જીતી લીધી હતી. જમશેદે 38 રન આપીને કુલ 5 વિકેટ ઝડપી હતી.

ભારતના ખાસ બોલર્સના લિસ્ટમાં સામેલ થયો

T20 ક્રિકેટમાં સતત 4 બોલમાં 4 વિકેટ ઝડપનાર ભારતીય બોલર્સમાં હવે જમશેદ આલમનું નામ પણ જોડાયું છે. તેના પહેલાં કર્ણાટકના અભિમન્યુ મિથુને નવેમ્બર 2019માં હરિયાણા સામે અને વિદર્ભના દર્શન નાલકંડેએ નવેમ્બર 2021માં કર્ણાટક સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ખાસ વાત એ છે કે બંને બોલર્સે ઈનિંગની છેલ્લી એટલે કે 20મી ઓવરમાં સતત 4 વિકેટ ઝડપી હતી.

ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં પણ આવી સિદ્ધિઓ નોંધાઈ છે. વર્ષ 2025માં ઈન્ડોનેશિયાના ગેડે પ્રિયાન્ડાનાએ કંબોડિયા સામે માત્ર 6 બોલમાં 5 વિકેટ ઝડપી હતી, જ્યારે ફિનલેન્ડના મહેશ તાંબેએ એસ્ટોનિયા સામે 8 બોલમાં 5 વિકેટ લેવાનો કમાલ કર્યો હતો.

આ પણ વાંચો: IND Vs PAK: મેદાન પર વૈભવ સૂર્યવંશી અને વિપ્રજ નિગમ વચ્ચે થઈ જોરદાર ટક્કર, મોટી દુર્ઘટના ટળી, જુઓ VIDEO