Jamnagar ના 3 ખેલાડી રાષ્ટ્રીય કક્ષાની અન્ડર-14 બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે



Jamnagar Basket Ball
Jamnagar ના 3 ખેલાડી રાષ્ટ્રીય કક્ષાની અન્ડર-14 બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે



Jamnagar Basket Ball
Jamnagar : આગામી 26 સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે યોજાનારી આ રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં દેશભરમાંથી આશરે 60 જેટલી ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ માટે ગુજરાતમાંથી બોયઝ અને ગર્લ્સ એમ બે ટીમોની પસંદગી કરવામાં આવી છે.
બંને ટીમોના ખેલાડીઓ માટે જામનગર ખાતે 10 દિવસનો કોચિંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન ખેલાડીઓની રમત, ફિટનેસ અને પ્રદર્શનના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી જામનગરના ત્રણ ખેલાડીઓ ગુજરાતની ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
બાસ્કેટબોલમાં જામનગરની ધૂમ
ગુજરાતની બંને ટીમોના કુલ 24 ખેલાડીઓ હવે વિજયવાડા ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થશે. જામનગરના ત્રણ ખેલાડીઓ માટે આ પસંદગી તેમની રમતગમતની કારકિર્દીમાં મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલી ટીમોના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી. કલેક્ટરે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના યુવાનો રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી રહ્યા છે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે. તેમણે ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કરવા સાથે ટીમ વર્ક, શિસ્ત, ફિટનેસ અને સતત મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો.
3 ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ
તેમણે ખેલાડીઓને સતત પ્રેક્ટિસ અને પોતાની ફિટનેસ જાળવી રાખવા પણ પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખેલાડીઓને જરૂરી સહયોગ આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન ખેલાડીઓએ સરકાર દ્વારા આપવામાં આવતી રમતગમતની સુવિધાઓ તેમજ જામનગર રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળતા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે. રાવલીયા, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા, કોચ તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે જામનગરના ત્રણેય યુવા ખેલાડીઓ સહિત ગુજરાતની બંને ટીમો વિજયવાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પોતાના રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કરશે. ખેલાડીઓની પસંદગીને પગલે જામનગરના રમતગમત ક્ષેત્રે પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





