Indian Kabaddi Team : એશિયન ગેમ્સ માટે ‘કબડ્ડી કિંગ્સ’ તૈયાર, ગાંધીનગરથી ટીમ ઈન્ડિયાને ભવ્ય વિદાય



Indian Kabaddi Team
Indian Kabaddi Team : એશિયન ગેમ્સ માટે ‘કબડ્ડી કિંગ્સ’ તૈયાર, ગાંધીનગરથી ટીમ ઈન્ડિયાને ભવ્ય વિદાય



Indian Kabaddi Team
Indian Kabaddi Team : ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE) ખાતે મંગળવારે બંને ટીમોને ઉષ્માભેર વિદાય આપવામાં આવી હતી. એશિયન ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે બંને ટીમોએ 5 થી 14 સપ્ટેમ્બર દરમિયાન SAI NCOE ગાંધીનગર ખાતે અંતિમ તૈયારી કેમ્પ યોજ્યો હતો.
આ દરમિયાન ખેલાડીઓએ શારીરિક ક્ષમતા, ટેકનિક, વ્યૂહરચના અને ટીમ કો-ઓર્ડિનેશન પર ખાસ ધ્યાન આપ્યું હતું.
ગોલ્ડ મેડલના સપના સાથે કબડ્ડી ટીમોની ઉડાન
વિદાય સમારોહ દરમિયાન ખેલાડીઓનું પરંપરાગત તિલક અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમોના કોચ, કેપ્ટન અને વાઇસ-કેપ્ટનને શાલ અર્પણ કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પુરુષ ટીમનું નેતૃત્વ મુખ્ય કોચ બલવાન સિંહ કરી રહ્યા છે.
જ્યારે બી.સી. રમેશ અને અનુપ કુમાર સહાયક કોચ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. મહિલા ટીમના મુખ્ય કોચ નીતા દાદવે છે અને મમતા પૂજારી સહાયક કોચ તરીકે ટીમ સાથે છે. બંને ટીમોમાં 12-12 ખેલાડીઓ ઉપરાંત કોચિંગ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. મહિલા ટીમની કેપ્ટન પુષ્પા રાણાએ ભારતીય કબડ્ડીમાં વિકસી રહેલી લીગ સંસ્કૃતિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ભારતીય લીગમાં રમવાથી માત્ર દેશના ખેલાડીઓનો વિકાસ થતો નથી, પરંતુ અન્ય દેશોના ખેલાડીઓ અને કોચને પણ મહત્વપૂર્ણ અનુભવ મળે છે.
ભારતની કબડ્ડી ટીમોનો વિજયી કૂચનો આરંભ
પુરુષ ટીમના કેપ્ટન સુનીલ કુમારે કબડ્ડી વધુ ઝડપી અને વ્યૂહાત્મક બની રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે SAI NCOE ગાંધીનગરની સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ સુવિધાઓથી ટીમની શારીરિક તૈયારીમાં મળેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. મહિલા ટીમના મુખ્ય કોચ નીતા દાદવેએ પણ ટીમની લાંબી અને તબક્કાવાર તૈયારી અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે મે, જૂન, JSW બલ્લારી અને ત્યારબાદ ગાંધીનગર ખાતે યોજાયેલા તાલીમ કેમ્પનો ઉલ્લેખ કર્યો હતો.
પુરુષ ટીમના કોચ બલવાન સિંહે બંને ટીમોના ખેલાડીઓની મહેનત, શિસ્ત અને સમર્પણની પ્રશંસા કરી હતી. SAI RC ગાંધીનગરના પ્રાદેશિક નિયામક પ્રશાંત સિંહે પણ ટીમોને શુભેચ્છા પાઠવી હતી. હાંગઝોઉ 2022 માં ભારતીય પુરુષ અને મહિલા બંને કબડ્ડી ટીમોએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. હવે બંને ટીમો આઈચી-નાગોયા 2026 માં ફરી ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. એશિયન ગેમ્સ બાદ બંને ટીમો અમદાવાદમાં યોજાનારી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ2026 માં પણ ભાગ લેશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





