Ind Vs Pak: દિવાળીના દિવસે ભારતને પાકિસ્તાન સામે કારમી હાર, હમઝા ઝહૂરની સદીએ છીનવી જીત

Ind Vs Pak: અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 3 વિકેટે હરાવ્યું. હમઝા ઝહૂરે 108 બોલમાં અણનમ 100 રન બનાવી અર્જુન રાજપૂતની સદી પર પાણી ફેરવ્યું.
Nancy Shukal
Nancy Shukal
Ind Vs Pak: ભારત પાકિસ્તાન સામે હાર્યુંInd Vs Pak: ભારત પાકિસ્તાન સામે હાર્યું

Ind Vs Pak: ભારત પાકિસ્તાન સામે હાર્યું

Ind Vs Pak: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની મેચ હોય ત્યારે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પરંતુ દિવાળીના દિવસે ભારતીય ક્રિકેટ ફેન્સને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. 2026 અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 3 વિકેટે હરાવ્યું છે.

ભારતે આપેલા 210 રનના ટાર્ગેટનો પીછો કરતાં પાકિસ્તાની ટીમે 11 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. પાકિસ્તાનની આ જીતનો હીરો વિકેટકીપર બેટ્સમેન હમઝા ઝહૂર રહ્યો હતો, જેને અણનમ સદી ફટકારી હતી.

હમઝા ઝહૂરે ફટકારી મેચ વિનિંગ સદી

આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ભારતીય બેટ્સમેનોએ શરૂઆતમાં સંઘર્ષ કર્યો હતો અને આખી ટીમ 46.3 ઓવરમાં 209 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અર્જુન રાજપૂતે શાનદાર બેટિંગ કરતાં 85 બોલમાં 107 રનની ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં આક્રમક બેટિંગની ઝલક જોવા મળી હતી.

210 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરતાં માત્ર 61 રનમાં પાકિસ્તાનની 5 વિકેટ પાડી દીધી હતી. એક સમયે ભારતની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ ત્યારબાદ મેચનું પાસું પલટાઈ ગયું હતું.

107 રનની પાર્ટનરશીપે પલટાવી મેચ

પાકિસ્તાન તરફથી સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા વિકેટકીપર હમઝા ઝહૂરે જવાબદારી સંભાળી હતી. તેને 108 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. તેની સાથે હસનૈન અબ્બાસ ડારે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હસનૈને 67 બોલમાં 38 રન બનાવ્યા હતા.

બંને બેટ્સમેન વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 107 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ થઈ હતી. હસનૈન આઉટ થયા બાદ પણ હમઝાએ મક્કમતાથી બેટિંગ ચાલુ રાખી હતી અને પાકિસ્તાનને જીત અપાવી હતી.

ભારતીય બોલરોનું પ્રદર્શન

ભારત તરફથી મનલ ચૌહાણે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. મોહિત ઉલ્વાએ 2 વિકેટ મેળવી હતી, જ્યારે ઈશાન સૂદ અને કાવ્ય પટેલને 1-1 વિકેટ મળી હતી. પરંતુ શરૂઆતમાં દબાણ બનાવ્યા બાદ ભારતીય બોલરો પાકિસ્તાની બેટ્સમેનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. આમ, અર્જુન રાજપૂતની શાનદાર સદી છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ હમઝા ઝહૂરની અણનમ સદીએ પાકિસ્તાનને યાદગાર જીત અપાવી હતી.

આ પણ વાંચો: Rajat Patidar: રજત પાટીદાર ટીમમાંથી બહાર, રિંકુ સિંહને મળી મોટી જવાબદારી, ઈન્ડિયા-Aની ટીમમાં મોટા ફેરફાર