Team India: ભારતે રચ્યો ઈતિહાસ, એક જ વર્ષમાં ફટકારી 400 T20I સિક્સ, આવું કરનારી દુનિયાની પ્રથમ ટીમ બની


Team India
Team India: ભારતે રચ્યો ઈતિહાસ, એક જ વર્ષમાં ફટકારી 400 T20I સિક્સ, આવું કરનારી દુનિયાની પ્રથમ ટીમ બની


Team India
Team India: ભારતીય ક્રિકેટ ટીમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. ટીમ ઈન્ડિયા એક જ કેલેન્ડર વર્ષમાં 400 છગ્ગા ફટકારનારી દુનિયાની પ્રથમ ટીમ બની ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાયેલી પાંચમી અને અંતિમ T20 મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ આ અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.
રવિવારે રમાયેલી આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ કુલ 11 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ વર્ષ 2026માં ભારતના T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં છગ્ગાની સંખ્યા 400 પર પહોંચી ગઈ હતી. ભારતીય ટીમે માત્ર 40 મેચમાં આ સિદ્ધિ મેળવીને વિશ્વ ક્રિકેટમાં પોતાનું નામ ઈતિહાસના પાનાં પર નોંધાવ્યું છે.
ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડ સામે પણ રચ્યો રેકોર્ડ
આ વર્ષે ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડ સામે પણ જોરદાર બેટિંગ કરી છે. ભારતે કિવી ટીમ સામે આ વર્ષે કુલ 142 છગ્ગા ફટકાર્યા છે. એક કેલેન્ડર વર્ષમાં એક જ ટીમ સામે કોઈ ટીમ દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સિક્સ છે.
ભારતીય બેટ્સમેનમાં અભિષેક શર્મા સૌથી આગળ છે. તેને આ વર્ષે અત્યાર સુધી 86 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે ઈશાન કિશન 60 છગ્ગા સાથે બીજા અને સંજુ સેમસન 50 છગ્ગા સાથે ત્રીજા નંબરે છે.
ઈશાન કિશન અને શ્રેયસ ઐયરની શાનદાર બેટિંગ
ઐતિહાસિક રેકોર્ડ બનાવનારી આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ભારતે માત્ર 19 રનના સ્કોર પર સંજુ સેમસન અને અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઈશાન કિશન અને કેપ્ટન શ્રેયસ ઐયરે ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 93 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશીપ થઈ હતી.
ઈશાન કિશને આક્રમક બેટિંગ કરતાં માત્ર 31 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. બીજી તરફ શ્રેયસ ઐયરે 23 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. તેને 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
ભારતે 191 રનનો સ્કોર બનાવ્યો
ઈશાન અને શ્રેયસ સિવાય નમન ધીરે 23 બોલમાં 33 રન બનાવ્યા હતા, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ 17 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર એડમ મિલ્નેએ અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હતી. તેને 19 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ કારણે ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 191 રન જ બનાવી શકી હતી અને 200 રનનો આંકડો પાર કરી શકી ન હતી. આમ છતાં, ભારતીય બેટ્સમેનોએ 400 સિક્સનો ઐતિહાસિક આંકડો પાર કરીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની તાકાત સાબિત કરી હતી.
આ પણ વાંચો: IND Vs NZ: ન્યૂઝીલેન્ડે છેલ્લી T20I 7 વિકેટથી જીતી, ટીમ ઈન્ડિયાએ 3-2 ના માર્જિનથી સિરીઝ જીતી





