Olympics 2036: 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતે IOC સમક્ષ રજૂ કર્યો રોડમેપ, અમદાવાદના વિકાસનું વિઝન બતાવ્યું


Olympics 2036: અમદાવાદ માટે ભારતે IOC સમક્ષ રજૂ કર્યો રોડમેપ
Olympics 2036: 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતે IOC સમક્ષ રજૂ કર્યો રોડમેપ, અમદાવાદના વિકાસનું વિઝન બતાવ્યું


Olympics 2036: અમદાવાદ માટે ભારતે IOC સમક્ષ રજૂ કર્યો રોડમેપ
Olympics 2036: ભારતમાં 2036ના ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવાની દિશામાં પ્રયાસો આગળ વધી રહ્યા છે. ભારતે 26 નવેમ્બરે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ પોતાની દાવેદારી, આયોજન અને તૈયારીઓનો રોડમેપ રજૂ કર્યો હતો. આ ઓનલાઈન બેઠકમાં સંભવિત યજમાન શહેર અમદાવાદની રમતગમત સંબંધિત ક્ષમતાઓ અને માળખાકીય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ભારતનું પ્રેઝન્ટેશન લગભગ 30 મિનિટ ચાલ્યું હતું. ત્યારબાદ IOCના ફ્યુચર હોસ્ટ કમિશનના નવ સભ્યો સાથે આશરે 20 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. આ કમિશનના અધ્યક્ષ કોલિન્ડા ગ્રાબર-કિતારોવિક છે.
અમદાવાદના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર
પ્રેઝન્ટેશન દરમિયાન અમદાવાદમાં ઉપલબ્ધ રમતગમતના માળખા, પ્રસ્તાવિત સ્પોર્ટ્સ વેન્યુ અને તેના વિકાસની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને અમદાવાદ પ્રશાસન તરફથી ભારતીય ઓલિમ્પિક સંઘને મળી રહેલા સહયોગનો પણ ઉલ્લેખ કરાયો હતો.
ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી રમતગમત સ્પર્ધાઓના આયોજનનો પોતાનો અનુભવ અને ઓલિમ્પિકની યજમાની માટેની લાંબા ગાળાની તૈયારીઓની રૂપરેખા પણ IOC સમક્ષ રજૂ કરી હતી.
આ દેશો પણ યજમાનીની દોડમાં
2036ના ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે ભારત ઉપરાંત જર્મની, હંગેરી, કતાર, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કિયેએ પણ રસ દર્શાવ્યો છે. એટલે કે કુલ 7 દેશો આ દોડમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ તુર્કિયે ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ પોતાનું પ્રથમ પ્રેઝન્ટેશન આપી ચૂક્યું છે.
ડિસેમ્બરમાં IOC કરાવશે સર્વે
ભારતની દાવેદારીની પ્રક્રિયામાં આગામી મહત્વપૂર્ણ પગલું ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં આવી શકે છે. માહિતી અનુસાર, IOC આ દરમિયાન એક અનામી સર્વે કરાવશે, જેના માધ્યમથી ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારી અંગે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ થશે.
આ સર્વેના પરિણામો આવતા વર્ષે માર્ચમાં ભારતની દાવેદારીના મૂલ્યાંકનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારબાદ સ્ટ્રેટેજિક ડાયલોગનો તબક્કો શરૂ થશે. આ પ્રક્રિયામાં યજમાનીની ઈચ્છા ધરાવતા દેશોએ ફ્યુચર હોસ્ટ પ્રશ્નાવલીના પ્રારંભિક જવાબો સાથે આયોજન માટે જરૂરી નાણાકીય ગેરંટી પણ રજૂ કરવાની રહેશે.
બેઠકમાં આ મહાનુભાવો રહ્યા હાજર
ભારત તરફથી યોજાયેલી આ ઓનલાઈન બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત સચિવ હરિ રંજન રાવ, ભારતીય ઓલિમ્પિક સંઘનાં નિવર્તમાન અધ્યક્ષ પી.ટી. ઉષા, IOCમાં ભારતનાં પ્રતિનિધિ નીતા અંબાણી અને IOA એથ્લેટ્સ કમિશનનાં વડા તથા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને IOAના CEO રઘુરામ અય્યર સહિતના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા.
આ પણ વાંચો: IND A Vs SL A: અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ, 37 બોલમાં ફટકારી અડધી સદી




