એથ્લીટ્સે નાની ઉંમરથી જ સ્પોર્ટ્સ સાયન્સ અપનાવવું જોઈએ: ડોલા બેનર્જી



Dola Banerjee Sports Science
એથ્લીટ્સે નાની ઉંમરથી જ સ્પોર્ટ્સ સાયન્સ અપનાવવું જોઈએ: ડોલા બેનર્જી



Dola Banerjee Sports Science
Dola Banerjee Sports Science: બે વખતની ઓલિમ્પિયન અને અર્જુન એવોર્ડ વિજેતા તીરંદાજ ડોલા બેનર્જીએ ભારતીય એથ્લીટ્સ માટે નાની ઉંમરથી જ સ્પોર્ટ્સ સાયન્સને ટ્રેનિંગનો હિસ્સો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમનું માનવું છે કે જો એથ્લીટ્સને બાળપણથી જ સ્પોર્ટ્સ સાયન્સની સુવિધાઓ મળે તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતના મેડલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
અમદાવાદના SAI, NCoE નારણપુરા ખાતે એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલી ભારતીય સ્વિમિંગ ટીમના વિદાય સમારંભ દરમિયાન SAI મીડિયા સાથે વાત કરતાં ડોલા બેનર્જીએ પોતાના અનુભવ શેર કર્યા હતા.
‘અમારા સમયમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી’
પૂર્વ રિકર્વ તીરંદાજ ડોલા બેનર્જીએ જણાવ્યું કે તેમના સમય દરમિયાન ન્યુટ્રિશનિસ્ટ, સ્પોર્ટ્સ સાઇકોલોજિસ્ટ અને મસાજ જેવી સપોર્ટ સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. કારકિર્દીના અંતિમ તબક્કામાં તેમની દૈનિક રૂટિનમાં મેડિટેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આજના સ્પર્ધાત્મક રમતોના યુગમાં સ્પોર્ટ્સ સાઇકોલોજી અને ન્યુટ્રિશન અત્યંત મહત્વપૂર્ણ બની ગયા છે. આ તમામ બાબતો એથ્લીટ્સની ટ્રેનિંગનો નાની ઉંમરથી જ હિસ્સો હોવી જોઈએ અને આ સુવિધાઓ ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવાની જરૂર છે.
‘માત્ર પ્રેક્ટિસ પૂરતી નથી’
ડોલા બેનર્જીએ વર્તમાન એથ્લીટ્સને આધુનિક સપોર્ટ સર્વિસનો વધુ સારો ઉપયોગ કરવાની સલાહ આપી. તેમના જણાવ્યા અનુસાર, જો કોઈ એથ્લીટ દિવસના સાત કલાક પ્રેક્ટિસ કરે છે તો તેમાં પાંચ કલાક પ્રેક્ટિસ અને બે કલાક સ્પોર્ટ્સ સાયન્સ પાછળ ફાળવવા જોઈએ. તેમણે કહ્યું કે રોજિંદી પ્રેક્ટિસમાં સ્પોર્ટ્સ સાયન્સ, ન્યુટ્રિશન અને માનસિક તૈયારી જેવી સપોર્ટ સર્વિસને સામેલ કરવી એ પણ એથ્લીટ્સની જવાબદારી છે.
એશિયન ગેમ્સમાં ભારતીય તીરંદાજો પાસેથી આશા
2007ના તીરંદાજી વર્લ્ડ કપમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર ડોલા બેનર્જી આગામી આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભારતીય તીરંદાજોના પ્રદર્શનને લઈને આશાવાદી છે. તેમણે જણાવ્યું કે ભારતીય ટીમમાં અનેક જુનિયર ખેલાડીઓ છે, જે દબાણ વિના રમે છે અને તેથી સારા પ્રદર્શનની શક્યતા છે. ખાસ કરીને કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતની રેન્કિંગ સારી હોવાથી આ ઈવેન્ટમાંથી મેડલની આશા છે. રિકર્વ કેટેગરી અંગે તેમણે જણાવ્યું કે 2022 એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ટીમે સિલ્વર અને મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ધીરજ બોમ્માદેવરા સારી ફોર્મમાં છે અને આ વખતે વ્યક્તિગત મેડલ જીતવાની આશા છે. જ્યારે અંકિતા ભકત સહિતની અનુભવી રિકર્વ ટીમ પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા છે.
શાળાઓમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવાની જરૂર
ડોલા બેનર્જીએ ભારતમાં સ્પોર્ટ્સ કલ્ચરને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી. તેમણે પેરિસ 2024 ઓલિમ્પિક્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત સાત ઈવેન્ટમાં ચોથા સ્થાને રહ્યું હતું. ત્રીજા અને ચોથા સ્થાન વચ્ચે મોટો તફાવત હોવા છતાં, અગાઉની સરખામણીએ ચોથું સ્થાન પણ ભારતના પ્રદર્શનનો સુધારો દર્શાવે છે. તેમણે ખાસ કરીને શાળાઓમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવા અને માતા-પિતાએ બાળકોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી. તેમનું માનવું છે કે રમતગમતને વધુ પ્રોત્સાહન મળશે તો દેશને વધુ પ્રતિભાઓ મળશે અને ભવિષ્યમાં વર્લ્ડ ક્લાસ એથ્લીટ્સ તૈયાર કરી શકાશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]





