Global Politics: હોમુઝમાં યુદ્ધનો પડછાયો, સ્વેઝ પર ચીનની નજર! બદલાઈ રહ્યું છે મિડલ ઈસ્ટનું પાવર મેપ



Global Politics
Global Politics: હોમુઝમાં યુદ્ધનો પડછાયો, સ્વેઝ પર ચીનની નજર! બદલાઈ રહ્યું છે મિડલ ઈસ્ટનું પાવર મેપ



Global Politics
Global Politics: એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે હોમુઝ વિસ્તારમાં ફરીથી સૈન્ય સંઘર્ષ તેજ બન્યો છે, તો બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ એક દાયકા બાદ ઇજિપ્ત પહોંચ્યા છે. બંને ઘટનાઓનો સમય ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. હોમુઝ જળમાર્ગમાં યુદ્ધના કારણે શિપિંગ અને વૈશ્વિક ઊર્જા સપ્લાય પર દબાણ છે, ત્યારે ઇજિપ્ત પાસે રહેલી સ્વેઝ કેનાલ વૈકલ્પિક વેપાર માર્ગ તરીકે વધુ મહત્વપૂર્ણ બની રહી છે. આ સ્થિતિમાં જિનપિંગની ઇજિપ્ત મુલાકાતને ચીનના મિડલ ઈસ્ટમાં વધતા પ્રભાવ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
હોમુઝમાં યુદ્ધથી શિપિંગ પર અસર
હોમુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંથી એક છે. અહેવાલ મુજબ સામાન્ય સ્થિતિમાં વિશ્વના આશરે 20% તેલ વેપાર માટે આ માર્ગનો ઉપયોગ થાય છે. પરંતુ અમેરિકા-ઈરાન સંઘર્ષ અને ટેન્કરો પર હુમલાના અહેવાલોને કારણે અહીંથી જહાજોની અવરજવર ઘટી છે. મંગળવારે માત્ર ચાર માલવાહક જહાજો આ માર્ગ પરથી પસાર થયા હતા, જ્યારે અગાઉના 10 દિવસની સરેરાશ લગભગ 13 જહાજોની હતી.
હોમુઝ બાદ સ્વેઝ કેનાલનું મહત્વ વધ્યું
હોમુઝમાં અવરોધ ઊભો થતાં ઇજિપ્તની સ્વેઝ કેનાલ વૈશ્વિક વેપાર અને ઊર્જા સપ્લાય માટે વધુ મહત્વપૂર્ણ બની રહી છે. સ્વેઝ કેનાલ એશિયા, મિડલ ઈસ્ટ અને યુરોપને જોડતો મહત્વનો દરિયાઈ માર્ગ છે. તેથી ચીન માટે ઇજિપ્ત સાથેના સંબંધો માત્ર રાજદ્વારી મુદ્દો નહીં પરંતુ વેપાર અને વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ બની ગયા છે.
ચીન-ઇજિપ્ત વચ્ચે વધતી ભાગીદારી
ચીન અને ઇજિપ્ત વચ્ચે વેપાર અને રોકાણ ઝડપથી વધી રહ્યા છે. અહેવાલો અનુસાર બંને દેશો વચ્ચેનો વેપાર આશરે 21 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. સ્વેઝ કેનાલ ઈકોનોમિક ઝોન સહિત મેન્યુફેક્ચરિંગ, બંદરો, ગ્રીન એનર્જી અને અન્ય ક્ષેત્રોમાં ચીનનું રોકાણ વધી રહ્યું છે.
સંબંધો હવે માત્ર વેપાર પૂરતા નથી
ઓગસ્ટમાં ચીન અને ઇજિપ્ત વચ્ચે પ્રથમ વખત સંયુક્ત હવાઈ કવાયત યોજાઈ હતી, જેમાં ચીનના J-16 અને ઇજિપ્તના રાફેલ ફાઈટર જેટ્સે ભાગ લીધો હતો. આ ઘટનાને બંને દેશો વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
મિડલ ઈસ્ટમાં ચીનનો વધતો પ્રભાવ
ઇજિપ્ત અરબ વિશ્વનું મહત્વપૂર્ણ કેન્દ્ર અને આફ્રિકાનું પ્રવેશદ્વાર છે. ચીન અગાઉ ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. હવે ઇજિપ્ત સાથે વધતી ભાગીદારીથી ચીન મિડલ ઈસ્ટ અને આફ્રિકા બંનેમાં પોતાનો રાજદ્વારી અને આર્થિક પ્રભાવ મજબૂત કરવા માગે છે એવી વિશ્લેષકોની દૃષ્ટિ છે.
ભારત માટે કેમ મહત્વનું?
આ સમગ્ર ઘટનાક્રમ ભારત માટે પણ મહત્વપૂર્ણ છે. હોમુઝ ભારતની ઊર્જા સુરક્ષા સાથે જોડાયેલો છે, જ્યારે સ્વેઝ કેનાલ ભારતના યુરોપ સાથેના વેપાર માટે મહત્વપૂર્ણ માર્ગ છે. જો બંને દરિયાઈ માર્ગો લાંબા સમય સુધી અસ્થિર રહે તો ક્રૂડ ઓઈલના ભાવ, શિપિંગ ખર્ચ અને માલસામાનની કિંમતો પર અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારત માટે અમેરિકા સાથેના સંબંધો જાળવી રાખવા સાથે ચીન અને રશિયા સાથે વ્યૂહાત્મક સંતુલન જાળવવું પડકારરૂપ બની શકે છે.




