Plane Crash: ફિલિપાઈન્સમાં ભયાનક વિમાન દુર્ઘટના, હવામાં અથડાયાં વાયુસેનાનાં બે ટ્રેનર પ્લેન


Plane Crash
Plane Crash: ફિલિપાઈન્સમાં ભયાનક વિમાન દુર્ઘટના, હવામાં અથડાયાં વાયુસેનાનાં બે ટ્રેનર પ્લેન


Plane Crash
Plane Crash: ફિલિપાઈન્સમાં વાયુસેનાનાં બે ટ્રેનર વિમાન હવામાં અથડાતાં ચાર પાયલટનાં મોત થયાં છે. બટાંગાસ પ્રાંતમાં આવેલા ફર્નાન્ડો એર બેઝ નજીક તાલીમ ઉડાન દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. બંને SF-260 વિમાન હવામાં એકબીજા સાથે અથડાયા બાદ એર બેઝના પરિસરમાં જ તૂટી પડ્યાં હતાં. આ ઘટનાને પગલે ફિલિપાઈન્સની વાયુસેનામાં શોકનો માહોલ છવાયો છે.
તાલીમ ઉડાન દરમિયાન સર્જાઈ દુર્ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને વિમાન નિયમિત તાલીમ ઉડાન પર હતાં. આ દરમિયાન અચાનક બંને વચ્ચે હવામાં ટક્કર થઈ હતી. દુર્ઘટનામાં ચાર પાયલટનાં જીવ ગયા હતા. વિમાનો એર બેઝના પરિસરમાં જ તૂટી પડ્યાં હોવાથી અન્ય કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.
SF-260 વિમાનોની ઉડાન પર અસ્થાયી પ્રતિબંધ
ફિલિપાઈન્સ વાયુસેનાએ દુર્ઘટનાના કારણોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ SF-260 ટ્રેનર વિમાનોની ઉડાન પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે. તપાસ દરમિયાન અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને હવામાં બંને વિમાનો વચ્ચે ટક્કર થવા પાછળનું કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
અગાઉ પણ સર્જાઈ ચૂક્યા છે આવા અકસ્માત
ફિલિપાઈન્સમાં SF-260 વિમાનો સાથે અગાઉ પણ દુર્ઘટનાઓ થઈ ચૂકી છે. અહેવાલો અનુસાર, આ જ વર્ષે મે મહિનામાં ઉત્તરી ફિલિપાઈન્સના પર્વતીય વિસ્તારમાં SF-260 ટ્રેનર વિમાન તૂટી પડતાં બે પાયલટનાં મોત થયાં હતાં. વર્ષ 2023માં પણ તાલીમ ઉડાન દરમિયાન SF-260 TP પ્રકારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં બે પાયલટે જીવ ગુમાવ્યા હતા.
વર્ષ 2017માં દક્ષિણ ફિલિપાઈન્સના મારાવી શહેરમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદીઓ સામેની લડાઈ દરમિયાન પણ સૈન્ય દ્વારા SF-260 વિમાનોનો ઉપયોગ હવાઈ હુમલાઓ માટે કરવામાં આવ્યો હતો.
હાલમાં વાયુસેના દ્વારા તાજેતરની દુર્ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના પરિણામો સામે આવ્યા બાદ અકસ્માતનાં ચોક્કસ કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.






