Army Accident: હરિયાણાના હથનીકુંડ બેરેજમાં સેનાની કવાયત દરમિયાન મોટો અકસ્માત, મોટરબોટ પલટી



Army Accident
Army Accident: હરિયાણાના હથનીકુંડ બેરેજમાં સેનાની કવાયત દરમિયાન મોટો અકસ્માત, મોટરબોટ પલટી



Army Accident
Army Accident: હરિયાણાના યમુનાનગરમાં હરિયાણા-હિમાચલ પ્રદેશની સરહદ નજીક આવેલા હથનીકુંડ બેરેજ વિસ્તારમાં સેનાની કવાયત દરમિયાન મોટો અકસ્માત સર્જાયો છે. પૂર રાહત અને બચાવની પ્રેક્ટિસ દરમિયાન સેનાની એક મોટરબોટ યમુના નદીના જોખમી વિસ્તારમાં પહોંચી ગઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હોવાના કારણે મોટરબોટ પલટી ગઈ અને નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં 1થી 2 જવાનો ગુમ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અસરગ્રસ્ત જવાનોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પૂર બચાવની કવાયત દરમિયાન અકસ્માત
પ્રાથમિક માહિતી અનુસાર હથનીકુંડ બેરેજ વિસ્તારમાં વન પેરા સ્પેશિયલ ફોર્સના જવાનો પૂર બચાવની કવાયત કરી રહ્યા હતા. આ દરમિયાન સેનાની મોટરબોટ યમુના નદીના ડેન્જર ઝોન તરફ જતી રહી હતી. નદીના તેજ પ્રવાહ વચ્ચે બોટનું સંતુલન બગડતાં તે પલટી ગઈ અને પાણીમાં ડૂબી ગઈ.
કેટલાક જવાનો તરીને બહાર આવ્યા
અકસ્માત બાદ કેટલાક જવાનો નદીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ ત્રણ જવાનો આશરે 600 મીટર સુધી તરીને સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે એક જવાન તેજ પ્રવાહમાં તણાઈ જતાં ગુમ થયો હોવાની માહિતી સામે આવી છે. કેટલીક માહિતીમાં એકથી બે જવાનો ગુમ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સેના, પોલીસ અને SDRFનું સર્ચ ઓપરેશન
અકસ્મતની જાણ થતાં જ હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. યમુનાનગર SDRF સહિત અન્ય રેસ્ક્યૂ ટીમોને પણ સર્ચ ઓપરેશનમાં જોડવામાં આવી છે. નદીમાં તેજ પ્રવાહ વચ્ચે ગુમ થયેલા જવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે. સર્ચ દરમિયાન ડૂબેલી સેનાની મોટરબોટને પણ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હોવાનું જણાવાયું છે.
અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી
હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ અને કેટલા જવાનો અસરગ્રસ્ત થયા છે તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. પ્રતાપનગર પોલીસે આ મામલો દેશની સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું જણાવીને વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. તેથી ગુમ થયેલા જવાનોની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.




