Washington DC Shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ફાયરિંગથી ખળભળાટ, એકનું મોત અને ચાર ઘાયલ


Washington DC Shooting: વોશિંગ્ટન DCમાં ગોળીબારની ગંભીર ઘટના
Washington DC Shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ફાયરિંગથી ખળભળાટ, એકનું મોત અને ચાર ઘાયલ


Washington DC Shooting: વોશિંગ્ટન DCમાં ગોળીબારની ગંભીર ઘટના
Washington DC Shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DCમાં ગોળીબારની ગંભીર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે. વ્હાઈટ હાઉસથી થોડે જ અંતરે આવેલા લોગન સર્કલ વિસ્તારમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી.
લોકોએ જીવ બચાવવા માટે દોડધામ કરી
એક હથિયારધારી શખ્સ VIDA Fitness નામના જિમમાં ઘૂસી ગયો હતો અને ત્યાં હાજર એક સભ્યની પીઠમાં ગોળી મારી હતી. ત્યારબાદ આરોપી જિમની ઈમારતમાંથી બહાર નીકળીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન આસપાસના વિસ્તારમાં પણ ગોળીબારના અવાજ સંભળાયા હતા.
આ ઘટનાના સમયે જિમમાં કસરત કરી રહેલા લોકોએ જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેણે ગોળી વાગેલી વ્યક્તિને ઈમારતમાંથી બહાર દોડતા જોઈ હતી.
ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, 15મી અને પી સ્ટ્રીટ્સ NW વિસ્તારમાં અનેક લોકોને ગોળી વાગી હતી. ઘાયલ થયેલા ચાર લોકોને અલગ-અલગ સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકની ઓળખ અંગેની વિગતો તાત્કાલિક જાહેર કરવામાં આવી નહોતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી.
15મી સ્ટ્રીટના 1500 બ્લોકમાં અવરજવર બંધ કરવામાં આવી હતી. નજીકમાં આવેલા શાળાઓમાં પણ સુરક્ષાના ભાગરૂપે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ફેડરલ બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ (ATF) દ્વારા પણ મદદ માટે એજન્ટો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયરિંગ પાછળનો હેતુ અને આરોપી અંગેની વધુ વિગતો મેળવવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો: Nvidia CEO Resigns: 33 વર્ષ બાદ CEO જેનસન હુઆંગનું રાજીનામું, CFO કોલેટી ક્રેસ બન્યા વચગાળાના CEO




