Indian Ocean Security: હિંદ મહાસાગરની સુરક્ષા માટે ભારતનો મોટો સંકલ્પ, કોલંબો કોન્ક્લેવમાં 2026-27નો રોડમેપ તૈયાર

Indian Ocean Security: માલદીવમાં યોજાયેલી કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવની બેઠકમાં ભારત સહિતના દેશોએ હિંદ મહાસાગરની સુરક્ષા માટે 2026-27નો રોડમેપ સ્વીકાર્યો.
Kunjan Shukal
Kunjan Shukal
હિંદ મહાસાગરની સુરક્ષા માટે ભારતનો મોટો સંકલ્પહિંદ મહાસાગરની સુરક્ષા માટે ભારતનો મોટો સંકલ્પ

હિંદ મહાસાગરની સુરક્ષા માટે ભારતનો મોટો સંકલ્પ

Indian Ocean Security: હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, આતંકવાદ, માનવ તસ્કરી અને સાયબર જોખમો સામે લડવા ભારતે પ્રાદેશિક સહયોગ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. માલદીવમાં યોજાયેલી કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ (CSC)ની આઠમી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સ્તરની બેઠકમાં વર્ષ 2026-27 માટે સહયોગનો રોડમેપ સ્વીકારવામાં આવ્યો છે. આ બેઠકમાં ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ભાગ લીધો હતો.

25 નવેમ્બરના રોજ માલદીવના વિલા નૌટિકા પેરેડાઈઝ આઈલેન્ડ ખાતે આ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. તેમાં ભારત, માલદીવ, શ્રીલંકા અને બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા મહેમાન દેશ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મોરેશિયસે વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. બેઠક દરમિયાન કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવના પ્રથમ મહાસચિવ વાઇસ એડમિરલ એસ.એન. ઘોરમડે (નિવૃત્ત)એ નવેમ્બર 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી સાતમી બેઠકના નિર્ણયો પર થયેલી કામગીરીની સમીક્ષા રજૂ કરી હતી.

કોને કોને 2026-27 માટેનો સહયોગનો રોડમેપ સ્વીકાર્યો?

આ બેઠકમાં ભારત, માલદીવ, મોરેશિયસ અને શ્રીલંકાએ સંમતિપત્ર પર હસ્તાક્ષર કરીને 2026-27 માટેનો સહયોગનો રોડમેપ સ્વીકાર્યો હતો. આ રોડમેપમાં સહયોગના પાંચ મુખ્ય ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં દરિયાઈ સુરક્ષા અને સલામતી, આતંકવાદ તથા કટ્ટરપંથનો સામનો, માનવ તસ્કરી અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાઓ પર નિયંત્રણ, સાયબર સુરક્ષા અને મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓનું રક્ષણ તેમજ માનવીય સહાય અને આપત્તિ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.

પરસ્પર સહયોગ સતત મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

સભ્ય દેશોએ તાલીમ કાર્યક્રમો, સુરક્ષાના અનુભવોની આપ-લે, શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન અને સંસ્થાકીય ક્ષમતાઓ વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો. બેઠકના અંતે તમામ દેશોએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જાળવવા માટે પરસ્પર સહયોગ સતત મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ નવો રોડમેપ આગામી બે વર્ષ દરમિયાન પ્રાદેશિક સુરક્ષા સહયોગને નવી દિશા આપશે.

આ પણ વાંચો: Kerala Murder Case: 2008ના હત્યા કેસમાં વોન્ટેડ સુજીત કુમારને UAEથી ભારત લવાયો, CBIએ કરાવ્યું પ્રત્યાર્પણ