Florida Plane Crash: ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટથી 8 માઇલ દૂર જોરદાર ધડાકા સાથે જેટ ક્રેશ, 9નાં મોત

Florida Plane Crash: અમેરિકાના ફ્લોરિડામાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. ટેક્સાસથી બહામાસ જઈ રહેલું ખાનગી લિયરજેટ-60 (Learjet 60) અચાનક આકાશમાંથી નીચે પટકાયું હતું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Nov 2026 10:37 AM IST
Florida Plane Crash: ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટથી 8 માઇલ દૂર જોરદાર ધડાકા સાથે જેટ ક્રેશ, 9નાં મોતFlorida Plane Crash: ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટથી 8 માઇલ દૂર જોરદાર ધડાકા સાથે જેટ ક્રેશ, 9નાં મોત

Florida Plane Crash

Florida Plane Crash: અમેરિકાના ફ્લોરિડામાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. ટેક્સાસથી બહામાસ જઈ રહેલું ખાનગી લિયરજેટ-60 (Learjet 60) અચાનક આકાશમાંથી નીચે પટકાયું હતું. પામ બીચ કાઉન્ટીના રહેણાક વિસ્તાર નજીક રસ્તા પર વિમાન તૂટી પડતાં જોરદાર ધડાકો થયો અને આગનો મોટો ગોળો જોવા મળ્યો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત થયાં હતાં. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન અત્યંત ઝડપે નીચે આવ્યું હતું અને જાણે મિસાઇલની જેમ રસ્તા પર ત્રાટક્યું હતું.

રહેણાક વિસ્તાર નજીક રસ્તા પર વિમાન ક્રેશ

આ દુર્ઘટના મિલિટરી ટ્રેલ અને 10મી એવન્યુ નોર્થ નજીક બની હતી. વિમાન રસ્તા સાથે અથડાતાં ત્યાં મોટો ખાડો પડી ગયો હતો. તે સમયે રસ્તા પરથી પસાર થતાં કેટલાંક વાહનોના ડેશકેમમાં દુર્ઘટનાનાં દૃશ્યો પણ કેદ થયાં હતાં.

વિમાન ઘરોની નજીક પડ્યું હતું. દુર્ઘટનાને કારણે મોબાઇલ હોમ પાર્ક તરફ જતો રસ્તો બંધ કરવો પડ્યો હતો. સુરક્ષાના કારણોસર આસપાસના વિસ્તારના આશરે 600 લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી. ઉપરાંત, વિસ્તારમાં લગભગ બે કલાક સુધી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટથી 8 માઇલ દૂર દુર્ઘટના

વિમાને ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. દુર્ઘટનાસ્થળ વેસ્ટ પામ બીચ એરપોર્ટથી આશરે 4 માઇલ દક્ષિણમાં અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટથી લગભગ 8 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે.

અહેવાલ મુજબ, ટ્રમ્પ આ દુર્ઘટનાના આશરે એક કલાક પહેલાં એરફોર્સ વન દ્વારા આ જ એરપોર્ટ પરથી રવાના થઈ ગયા હતા. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

પાયલટે કહ્યું હતું- વિમાન પર બરફ જામી રહ્યો છે

દુર્ઘટનાના થોડા સમય પહેલાં પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી કે વિમાન પર બરફ જામી રહ્યો છે. તે સમયે બહારનું તાપમાન માઇનસ 47 ડિગ્રી સેલ્સિયસ હોવાનું જણાવાયું હતું. હવાના જોરદાર ઝટકાને કારણે વિમાનની ઊંચાઈમાં આશરે 700 ફૂટ સુધી વધઘટ થઈ રહી હતી.

શરૂઆતમાં પાયલટે બરફ જમવાની સ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય તેવી હોવાનું જણાવ્યું હતું. જોકે, બાદમાં વરસાદ શરૂ થતાં તેણે વિમાનને વધુ ઊંચાઈએ લઈ જવાની મંજૂરી માગી હતી. થોડા સમય પછી પાયલટે ઇમરજન્સી જાહેર કરી હતી.

પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું હતું કે વિમાન પ્રતિ મિનિટ 8,000 ફૂટ અને ત્યારબાદ 10,000 ફૂટની ઝડપે નીચે જઈ રહ્યું છે. થોડી જ વારમાં તેણે વિમાનના નીચે પડવાની ઝડપ પ્રતિ મિનિટ 20,000 ફૂટ હોવાનું જણાવ્યું અને જમીન સાથે ટકરાવાની શક્યતા વ્યક્ત કરી હતી.

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ADS-B Exchangeના આંકડા મુજબ, વિમાન માત્ર એક મિનિટમાં આશરે 27,000 ફૂટ નીચે આવી ગયું હતું. તે સમયે વિસ્તારમાં વાવાઝોડા જેવી હવામાન સ્થિતિ હતી અને વિમાન એક શક્તિશાળી તોફાની વાદળમાંથી પણ પસાર થયું હતું. જોકે, ખરાબ હવામાન જ દુર્ઘટનાનું કારણ હતું કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

લિયરજેટ-60 સાથે જોડાયેલી અગાઉની દુર્ઘટના

ફ્લાઇટ સેફ્ટી ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, લિયરજેટ-60 વિમાન સાથે જોડાયેલી આ અત્યાર સુધીની સૌથી ઘાતક દુર્ઘટના છે. વર્ષ 2008માં સાઉથ કેરોલિનાના કોલંબિયામાંથી ઉડાન ભરતી વખતે આ જ મોડલનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તે ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં. આ વિમાન લોસ એન્જલસ જઈ રહ્યું હતું.

લિયરજેટનો ઉપયોગ મુખ્યત્વે ખાનગી ઉડાનો માટે કરવામાં આવે છે. તેના સ્થાપક બિલ લિયરના લિયર-23 વિમાનને 1960ના દાયકામાં લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ કેનેડાની કંપની બોમ્બાર્ડિયરે આ વિમાનોનું ઉત્પાદન કર્યું હતું. કંપનીએ 2021માં નવા લિયરજેટ બનાવવાનું બંધ કર્યું હતું, જોકે જૂનાં વિમાનો માટે સહાય ચાલુ રાખી હતી.

બ્લેક બોક્સ અને ટેકનિકલ ખામીની તપાસ

દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો રજિસ્ટ્રેશન નંબર N722BD હતો. આ વિમાન ડેલાવેર સ્થિત એક LLC કંપનીના નામે નોંધાયેલું હતું અને ઓનલાઇન ભાડે ઉડાન માટે ઉપલબ્ધ હતું. તપાસ અધિકારીઓ હવે એ પણ જાણી રહ્યા છે કે વિમાનમાં કોકપિટ વોઇસ રેકોર્ડર ઉપલબ્ધ હતું કે નહીં.

FAA અને NTSBની તપાસમાં વિમાનની ટેકનિકલ સ્થિતિ, હવામાન, બરફ જમવાની અસર અને પાયલટના અંતિમ સંદેશાઓ સહિતના પાસાઓની તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ભયાનક દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ પણ વાંચો : Gujarat Education: 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં કાઉન્સેલર ફરજિયાત, માનસિક સ્વાસ્થ્ય માટે નવી ગાઈડલાઈન જાહેર

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.