Get News Alerts

Never miss breaking news updates.

Nepal Flood: નેપાળ પર ફરી પૂરનો ખતરો, તિબેટમાં તળાવ ફાટતાં ભોટેકોસી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો

Nepal Flood: નેપાળમાં વિનાશક પૂર બાદ સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી ત્યાં ફરી એકવાર મોટા પૂરનું જોખમ ઊભું થયું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 28 Aug 2026 05:33 PM IST
Nepal Flood: નેપાળ પર ફરી પૂરનો ખતરો, તિબેટમાં તળાવ ફાટતાં ભોટેકોસી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યોNepal Flood: નેપાળ પર ફરી પૂરનો ખતરો, તિબેટમાં તળાવ ફાટતાં ભોટેકોસી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો

Nepal Flood: નેપાળમાં વિનાશક પૂર બાદ સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી ત્યાં ફરી એકવાર મોટા પૂરનું જોખમ ઊભું થયું છે. ચીનના તિબેટ વિસ્તારમાં એક તળાવ ફાટ્યાની માહિતી સામે આવ્યા બાદ નેપાળની ભોટેકોસી નદીમાં કાદવ અને કાટમાળ સાથે પાણીનો પ્રવાહ ફરી વધ્યો છે. અધિકારીઓએ ભોટેકોસી અને ત્રિશૂલી નદીના કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

તિબેટમાં તળાવ ફાટતાં ખતરો વધ્યો

નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) અનુસાર, રસુવા જિલ્લામાં ભોટેકોસી નદીના એ જ વિસ્તારમાં પાણીનો પ્રવાહ ફરી વધ્યો છે, જ્યાં 26 ઓગસ્ટે વિનાશક પૂર આવ્યું હતું.

કાદવ અને કાટમાળ સાથે પાણીનો પ્રવાહ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નદીમાં કાદવ અને કાટમાળ સાથે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે. આ કારણે વધુ એક પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભોટેકોસી અને ત્રિશૂલી નદીના કાંઠે રાહત-બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ તેમજ જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને અત્યંત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

નેપાળ પોલીસે પણ આપી ચેતવણી

નેપાળ પોલીસે પણ અલગથી એલર્ટ જાહેર કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર તિબેટ વિસ્તારમાં તળાવ ફાટવાની માહિતી મળી છે. સ્થાનિક લોકો ઉપરાંત બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને પણ સાવચેત રહેવા જણાવાયું છે.

26 ઓગસ્ટના પૂરમાં 469 લોકોનાં મોત

આ નવી ચેતવણી એવા સમયે આવી છે જ્યારે નેપાળ હજુ 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

NDRRMAના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ પૂરથી 469 લોકોનાં મોત થયા છે, જ્યારે 977 લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોમાં 517 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

નદીમાં ફરી અચાનક પાણી વધવાની શક્યતા

નેપાળના જળ સંસાધન સંશોધન તથા વિકાસ કેન્દ્રએ ચીન પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યું હતું કે નદીનો માર્ગ અવરોધાતા બનેલા તળાવનું પાણી હજુ સંપૂર્ણપણે ખાલી થયું નથી.

આ કારણે ઉપરના ભોટેકોસી વિસ્તારમાં પાણીના પ્રવાહમાં ફરી અચાનક વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. અધિકારીઓએ ભોટેકોસી, ત્રિશૂલી અને નારાયણી નદી તંત્ર પર સતત નજર રાખવા સૂચના આપી છે.

રાહત-બચાવ ટીમો હાઈ એલર્ટ પર

નવા પૂરના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ભોટેકોસી અને ત્રિશૂલી નદીના કાંઠે તૈનાત સુરક્ષા દળો તથા રાહત-બચાવ ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Colombo Test: સોનલ દિનુષાએ સતત બીજી ઇનિંગમાં ફટકાર્યું સદી, મેચ ડ્રો છતાં ભારતે 1-0થી જીતી ટેસ્ટ સિરીઝ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.