India Iran Relation: SCO ફોરમમાં ભારત-ઈરાન વચ્ચે સાંસ્કૃતિક સહયોગ વધારવા ચર્ચા, સંયુક્ત કલ્ચરલ વીકનું આયોજન થશે

India Iran Relation: SCO ફોરમ દરમિયાન ભારત અને ઈરાન વચ્ચે સાંસ્કૃતિક સહયોગ, ફારસી ભાષા, ફિલ્મ અને સંયુક્ત કલ્ચરલ વીકના આયોજન અંગે ચર્ચા થઈ.
Nancy Shukal
Nancy Shukal
India Iran Relation: SCO ફોરમમાં ભારત-ઈરાન સાંસ્કૃતિક સહયોગ વધારવા ચર્ચાIndia Iran Relation: SCO ફોરમમાં ભારત-ઈરાન સાંસ્કૃતિક સહયોગ વધારવા ચર્ચા

India Iran Relation: SCO ફોરમમાં ભારત-ઈરાન સાંસ્કૃતિક સહયોગ વધારવા ચર્ચા

India Iran Relation: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમ દરમિયાન ભારત અને ઈરાન વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે શનિવારે નવી દિલ્હીમાં ઈરાનની 'ઈસ્લામિક કલ્ચર એન્ડ રિલેશન્સ ઓર્ગેનાઈઝેશન'ના અધ્યક્ષ મોહમ્મદ મહદી ઈમાનીપુર સાથે મુલાકાત કરી હતી.

ફારસી ભાષાના ઐતિહાસિક મહત્ત્વ પર ભાર

ભારતમાં ઈરાનના દૂતાવાસના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન શેખાવતે ભારતમાં ફારસી ભાષાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમને જણાવ્યું હતું કે, ફારસી ભારત માટે કોઈ વિદેશી ભાષા નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ પણ ફારસી ભાષાને ભારતની અન્ય ભાષાઓ સાથે સ્થાન આપવામાં આવ્યું છે.

બંને પક્ષોએ સાંસ્કૃતિક અને કલાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. ગજેન્દ્ર સિંહ શેખાવતે ઈરાની દૂતાવાસ દ્વારા આયોજિત ફિલ્મ ફેસ્ટિવલ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. આ સિવાય હસ્તપ્રતોના સંરક્ષણ અને અભ્યાસ માટે ઈરાની સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સહયોગની શક્યતાઓ અંગે પણ રસ દર્શાવ્યો હતો.

ભારત-ઈરાન સંયુક્ત કલ્ચરલ વીકનો પ્રસ્તાવ

મુલાકાત દરમિયાન અધ્યક્ષ મોહમ્મદ મહદી ઈમાનીપુરે ભારત અને ઈરાન વચ્ચે સંયુક્ત સાંસ્કૃતિક સપ્તાહનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમને ભારતીય કલાકારોને ઈરાન આવવાનું આમંત્રણ આપ્યું હતું અને ત્યાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શેખાવતે આ પ્રસ્તાવને આવકાર્યો હતો અને ભારત તરફથી સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી.

અધ્યક્ષ મોહમ્મદ મહદી ઈમાનીપુરે સિનેમા ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે સહયોગની વ્યાપક શક્યતાઓ હોવાનું જણાવ્યું હતું. ફિલ્મ નિર્માણ અને સિનેમા સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાની ઈરાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને જણાવ્યું હતું કે તેમની સંસ્થા વિશ્વભરમાં 65 સાંસ્કૃતિક મિશન ચલાવે છે અને ભારત સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા તૈયાર છે.

ઈરાને ભારતનો માન્યો આભાર

અધ્યક્ષ મોહમ્મદ મહદી ઈમાનીપુરે ઈરાન સુધી દવાઓ પહોંચાડવામાં સહયોગ બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરના યુદ્ધ દરમિયાન ભારત તરફથી મળેલા સહયોગની પણ તેમને પ્રશંસા કરી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમના ઉદ્ઘાટન સેશનને સંબોધિત કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે પરસ્પર વિશ્વાસ અને સહિયારા સભ્યતાના મૂલ્યો મજબૂત પ્રાદેશિક સહયોગનો પાયો છે. વિવિધતાને એકતાની તાકાત ગણાવતા તેમને પરસ્પર સહયોગ અને સાંસ્કૃતિક જોડાણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: Bangladesh Lockdown: બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનું 'લોકડાઉન', હિંસા અને બોમ્બ બ્લાસ્ટથી મચી અફરાતફરી