Boat Accident in Nigeria : નાઇજીરીયામાં નદીમાં હોડી પલટી જતા 47 ના મોત, નદી પાર કરતા બની ઘટના

Boat Accident in Nigeria : નાઇજીરીયામાં ગુરુવારે એક ભયાનક હોડી દુર્ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોકોટો રાજ્યમાં મુસાફરોને લઈ જઈ રહેલી મોટી હોડી નદીમાં પલટી ગઈ.
Growth Now News
Growth Now News
Boat Accident in NigeriaBoat Accident in Nigeria

Boat Accident in Nigeria

Boat Accident in Nigeria : આ દુર્ઘટના સોકોટો રાજ્યના ગોરોન્યો સ્થાનિક સરકારી વિસ્તારમાં આવેલા ગોરાઉ શહેર નજીક બની હતી. હોડીમાં સવાર મોટાભાગના લોકો ખેતીના કામ માટે નદી પાર કરીને પોતાના ખેતરો તરફ જઈ રહ્યા હતા. તેઓ ખેતરોમાં ચોખાની કાપણી સહિતના કામ માટે જઈ રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

હોડીમાં 70થી વધુ મુસાફરો સવાર હોવાનો દાવો

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, હોડીમાં ખેતરના માલિકો ઉપરાંત ચોખાની કાપણી માટે રાખવામાં આવેલા કામદારો પણ સવાર હતા. હોડી નદીમાં પલટી ત્યારે તેમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે હોડીમાં 70થી વધુ લોકો હોવાની શક્યતા છે.

જ્યારે અન્ય એક રહેવાસીએ મુસાફરોની સંખ્યા 57 જેટલી હોવાનું જણાવ્યું હતું. હોડી અચાનક નદીમાં પલટી જતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને સંબંધિત એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, મોટી સંખ્યામાં લોકો પાણીમાં ગરકાવ થતાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સોકોટોમાં મોટી હોડી દુર્ઘટના

નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટીના સોકોટો રાજ્ય મેનેજર અબ્દુલકાદિર યુસુફે હોડી દુર્ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હોડી પલટી જવાથી અત્યાર સુધીમાં 47 લોકોનાં મોત થયા છે. સાથે જ રાહત અને બચાવ કામગીરી અંગે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોમાં ખેતરના માલિકો અને ખેતીકામ માટે જઈ રહેલા કામદારોનો સમાવેશ થતો હોવાની માહિતી સામે આવી છે. પરિવારજનોમાં ભારે આક્રંદ અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

નદીમાં સમાઈ ગઈ જિંદગીઓ!

નાઇજીરીયામાં નદી માર્ગે મુસાફરી દરમિયાન હોડી દુર્ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. આ ઘટનાએ ફરી એકવાર હોડીમાં મુસાફરોની સંખ્યા, સુરક્ષા વ્યવસ્થા અને નદી માર્ગે પરિવહનની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ અને બચાવ કામગીરી અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.