Pakistan Bus Accident: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ટક્કર, 10 લોકો જીવતા સળગ્યા, 27 ઘાયલ

Pakistan Bus Accident: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઈવે પર મુસાફર બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે.
Kunjan Shukal
Kunjan Shukal
બલુચિસ્તાનમાં બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ટક્કરબલુચિસ્તાનમાં બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ટક્કર

બલુચિસ્તાનમાં બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ટક્કર

Pakistan Bus Accident: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઈવે પર મુસાફર બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ભભૂકી ઊઠતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે 27થી વધુ લોકો ઘાયલ થયા છે. આગના કારણે બસમાં સવાર અનેક મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.

બંને વાહનોમાં અચાનક જ આગ લાગી ગઈ

મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે આશરે 10:30 વાગ્યે ગ્વાદર જિલ્લાના ઓરમારા વિસ્તારમાં બસોલ નજીક કોસ્ટલ હાઈવે પોલીસ ચેકપોસ્ટ પાસે આ અકસ્માત થયો હતો. તુર્બતથી કરાચી જઈ રહેલી ખાનગી મુસાફર બસની સામેથી આવી રહેલા LPG ગેસ ટેન્કર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટેન્કર કરાચીથી ગ્વાદર નજીક ઈરાન-ગાબદ સરહદ તરફ જઈ રહ્યું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોમાં તાત્કાલિક આગ લાગી ગઈ હતી. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 40થી વધુ મુસાફરો સવાર હતા. આગની લપેટમાં આવતા અનેક મુસાફરોને બચવાનો મોકો મળ્યો નહોતો.

ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી

તમામ 10 મૃતકોના મોત ગંભીર રીતે દાઝી જવાને કારણે થયા છે. બસમાંથી 8 મૃતદેહો અને ગેસ ટેન્કરમાંથી 2 મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં પાકિસ્તાની સેના, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતને કારણે મકરાન કોસ્ટલ હાઈવે પર કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. આ વિસ્તારમાં અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, જેના કારણે હાઈવે પર સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

આ પણ વાંચો: Bangladesh Political Crisis: બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ચરમસીમાએ, પૂર્વ શિક્ષણમંત્રી અને અભિનેત્રીની ધરપકડ, BNPના બે નેતાઓની હત્યા