Get News Alerts

Never miss breaking news updates.

America: હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું નિષ્ફળ, 19 વર્ષીય આરોપીની ધરપકડ

America: અમેરિકાના ઈલિનોઈસ રાજ્યના ઓરોરા શહેરમાં હિન્દુ મંદિર પર ફાયરિંગ કરવાના કથિત ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. આ મામલે 19 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 12:15 PM IST
America: હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું નિષ્ફળ, 19 વર્ષીય આરોપીની ધરપકડAmerica: હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું નિષ્ફળ, 19 વર્ષીય આરોપીની ધરપકડ

America

America: અમેરિકાના ઈલિનોઈસ રાજ્યના ઓરોરા શહેરમાં હિન્દુ મંદિર પર ફાયરિંગ કરવાના કથિત ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. આ મામલે 19 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીએ મંદિર પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની રાઈફલ જામ થઈ જતાં તે ગોળી ચલાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

આરોપીની તેના ઘર નજીકથી ધરપકડ કરવામાં આવી

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી એલેક્ઝાન્ડ્રોસ પાપોરેકિસની રવિવારે શિકાગોથી આશરે 60 કિલોમીટર દૂર પેલેટાઈન વિસ્તારમાં તેના ઘર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટમાં તેની સાથે કામ કરતા એક સહકર્મીએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. આરોપીએ કથિત રીતે સહકર્મીને જણાવ્યું હતું કે તેણે શનિવારે ઓરોરામાં આવેલા હિન્દુ મંદિરમાં સામૂહિક ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન આરોપીના ઘરેથી એક રાઈફલ, ભરેલી મેગેઝિન, સેંકડો કારતૂસ અને બોડી આર્મર મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બોડી આર્મર પર શ્વેત સર્વોપરિતાવાદી ઉગ્રવાદ સાથે જોડાયેલાં ચિહ્નો હતાં. આરોપીએ પોતાને 'વ્હાઈટ સુપ્રિમેસિસ્ટ નિયો-નાઝી' તરીકે ઓળખાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આરોપીને 30 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

અદાલતી દસ્તાવેજો અનુસાર, આરોપી સામે આતંકવાદી ધમકી આપવા અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા સહિતના આરોપો મૂકવામાં આવ્યા છે. આરોપીએ તૈયાર કરેલા હોવાનું કહેવાતા 8 પાનાના દસ્તાવેજમાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ મંદિરો વિરુદ્ધ નફરતભરી ટિપ્પણીઓ હોવાનો પણ આરોપ છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, તે છેલ્લા બે વર્ષથી હુમલાનું આયોજન કરી રહ્યો હતો. આરોપીને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 30 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ઓરોરામાં આવેલા હિન્દુ મંદિરોને સંભવિત જોખમ અંગે જાણ કરવામાં આવી છે. ન્યૂયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસે ઘટનાની નોંધ લેતાં અમેરિકાની કાયદા અમલીકરણ એજન્સીઓની સમયસર કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. દૂતાવાસે જણાવ્યું છે કે ભારતીય સમુદાયના સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Pakistanમાં મોટો અકસ્માત, કરાચીથી પેશાવર જતી ટ્રેન પાટા પરથી ઉતરી, 6 લોકોના મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.