Alaska Plane Crash : અલાસ્કામાં લેન્ડિંગ સમયે પ્લેન થયું ક્રેશ, પાયલટ સહિત 8 ના મોત, ગાઢ ધુમ્મસ બન્યું મોતનું કારણ


Alaska Plane Crash
Alaska Plane Crash : અલાસ્કામાં લેન્ડિંગ સમયે પ્લેન થયું ક્રેશ, પાયલટ સહિત 8 ના મોત, ગાઢ ધુમ્મસ બન્યું મોતનું કારણ


Alaska Plane Crash
Alaska Plane Crash : પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના અલાસ્કાના એક દૂરના લશ્કરી એરપોર્ટ પર બની હતી. આ સ્થળ એન્કોરેજથી આશરે 450 માઇલ એટલે કે લગભગ 725 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે. દુર્ઘટના સમયે વિસ્તારમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું હતું અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થયો હતો.
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એટલે કે NTSBના જણાવ્યા મુજબ, પાઇલટ્સ રનવે જોઈ શક્યા ન હતા અને લેન્ડિંગ દરમિયાન તેમને વિમાનના સાધનો પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું પડ્યું હતું. વિમાનના લેન્ડિંગના બીજા પ્રયાસ દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો.
ગાઢ ધુમ્મસમાં મોતની ઉડાન!
અકસ્માતના થોડા સમય પહેલા એરપોર્ટ નજીક ઓછી ઊંચાઈવાળા વાદળો અને ધુમ્મસ નોંધાયું હતું. શરૂઆતમાં વિઝિબિલિટી લગભગ 10 માઇલ સુધી હતી, પરંતુ અકસ્માત બાદના અહેવાલમાં દૃશ્યતા ઝડપથી ઘટીને એક ક્વાર્ટર માઇલ એટલે કે આશરે 400 મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી.
આવી સ્થિતિમાં લેન્ડિંગ અત્યંત પડકારજનક બની શકે છે. મૃતકોમાં યુએસ આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના બે કર્મચારીઓ પણ હતા. સંસ્થાએ જણાવ્યું હતું કે બંને કર્મચારીઓ અમેરિકન એરફોર્સના સમર્થનમાં પ્રોજેક્ટ સાઇટ પર મુસાફરી કરી રહેલી પ્રોજેક્ટ ડિલિવરી ટીમનો ભાગ હતા.
અલાસ્કામાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
કેપ ન્યુએનહામ એરપોર્ટ એક ખાનગી લશ્કરી સ્થળ છે અને અલાસ્કાના હવાઈ ક્ષેત્રની દેખરેખ રાખતી રડાર સાઇટ્સના નેટવર્કનો ભાગ છે. આ વિસ્તારમાં પર્વતની બાજુમાં કાંકરીનો રનવે બનાવવામાં આવ્યો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા અહીં લેન્ડિંગ દરમિયાન GPS અને અન્ય સાધનોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
દુર્ઘટના બાદ NTSBના તપાસકર્તાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તપાસમાં મુખ્યત્વે હવામાન, વિઝિબિલિટી, લેન્ડિંગના પ્રયાસો, વિમાનની સ્થિતિ અને પાઇલટ્સ દ્વારા કોઈ કટોકટી જાહેર કરવામાં આવી હતી કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. અલાસ્કા કમાન્ડના અધિકારીઓએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને મુશ્કેલ પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહેલા સમર્પિત વ્યાવસાયિકો ગણાવી શ્રદ્ધાંજલિ આપી છે. અમેરિકામાં બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર ખરાબ હવામાનમાં એરક્રાફ્ટ લેન્ડિંગ અને દૂરના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.




