Supermoon 2026: આકાશમાં સળંગ ત્રણ સુપરમૂનનો અદભુત નજારો! 24 ડિસેમ્બરે જોવા મળશે વર્ષનો સૌથી નજીક ફુલમૂન


Supermoon 2026: જાણો ક્યારે દેખાશે સૌથી મોટો ફુલમૂન
Supermoon 2026: આકાશમાં સળંગ ત્રણ સુપરમૂનનો અદભુત નજારો! 24 ડિસેમ્બરે જોવા મળશે વર્ષનો સૌથી નજીક ફુલમૂન


Supermoon 2026: જાણો ક્યારે દેખાશે સૌથી મોટો ફુલમૂન
Supermoon 2026: આકાશમાં રસ ધરાવતા લોકો અને ખગોળવિજ્ઞાનના અભ્યાસુઓ માટે આગામી દિવસોમાં એક અદભુત ખગોળીય ઘટના જોવા મળવાની છે. નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન સતત ત્રણ ફુલમૂન સુપરમૂન તરીકે જોવા મળશે. આ કેટેગરીમાં સૌથી ખાસ સુપરમૂન 24 ડિસેમ્બર, 2026ના રોજ જોવા મળશે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હશે અને વર્ષ 2026નો સૌથી નજીકનો ફુલમૂન બનશે. આકાશમાં થનારી આ ઘટના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમીઓ માટે ખગોળવિજ્ઞાનને સમજવાની ઉત્તમ તક બની રહેશે.
ક્યારે જોવા મળશે ત્રણ સુપરમૂન?
નાસા (NASA)ના નવેમ્બર 2026ના સ્કાયવોચિંગ બુલેટિન અનુસાર, આગામી ત્રણ મહિનામાં સતત ત્રણ સુપરમૂન જોવા મળશે. તેની તારીખો નીચે મુજબ છે.
24 નવેમ્બર, 2026
24 ડિસેમ્બર, 2026
22 જાન્યુઆરી, 2027
આ પૈકી 24 ડિસેમ્બરનો સુપરમૂન સૌથી વિશેષ રહેશે. આ દિવસે ફુલમૂન પૃથ્વીથી અંદાજે 3,56,740 કિલોમીટરના અંતરે હશે. જેના કારણે તે વર્ષ 2026નો પૃથ્વીની સૌથી નજીકનો ફુલમૂન બનશે.
શું છે સુપરમૂન અને શા માટે દેખાય છે?
ચંદ્ર ક્યારેક સામાન્ય કરતાં મોટો અને વધુ તેજસ્વી કેમ દેખાય છે, તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ સંપૂર્ણ ગોળાકાર નહીં, પરંતુ લંબગોળ ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે. તેથી પૃથ્વીથી તેનું અંતર સતત બદલાતું રહે છે.
ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય તે સ્થાનને 'પેરિજી' અને સૌથી દૂર હોય તે સ્થાનને 'એપોજી' કહેવામાં આવે છે. જ્યારે ફુલમૂનની સ્થિતિ પેરિજીની નજીક હોય ત્યારે તેને સુપરમૂન કહેવામાં આવે છે. નાસાની વ્યાખ્યા પ્રમાણે, જ્યારે ફુલમૂન તેની ભ્રમણકક્ષાના સૌથી નજીકના અંતરની 90 ટકા મર્યાદામાં હોય ત્યારે તેને સુપરમૂન તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષના સૌથી દૂરના ફુલમૂનની સરખામણીમાં સુપરમૂન લગભગ 14 ટકા મોટો અને 30 ટકા વધુ તેજસ્વી દેખાઈ શકે છે. પરંતુ આ તફાવત સામાન્ય આંખે બહુ સ્પષ્ટ રીતે અનુભવાતો નથી.
કેવી રીતે નિહાળી શકશો સુપરમૂન?
સુપરમૂન જોવા માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી. ખુલ્લા અને અવરોધમુક્ત સ્થળેથી સામાન્ય આંખે પણ ચંદ્રનું સુંદર અવલોકન કરી શકાય છે. દૂરબીન અથવા નાની ટેલિસ્કોપની મદદથી ચંદ્ર પરના ખાડા, પર્વતમાળાઓ અને ઘેરા વિસ્તારો પણ જોઈ શકાય છે. આ ઉપરાંત ચંદ્રના ફોટોગ્રાફ્સ પાડીને તેના બદલાતા સ્વરૂપનો અભ્યાસ કરી શકાય છે.
સુપરમૂન અને સમુદ્રની ભરતી વચ્ચે શું છે સંબંધ?
સુપરમૂન માત્ર સુંદર ખગોળીય નજારો જ નથી, પરંતુ તે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષણ સંબંધને સમજવાની પણ તક આપે છે. ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી પર સમુદ્રની ભરતી-ઓટને અસર કરે છે. જ્યારે ફુલમૂન પેરિજીની નજીક હોય ત્યારે સામાન્ય કરતાં વધુ તીવ્ર ભરતી સર્જાઈ શકે છે. તેને 'પેરિજીયન સ્પ્રિંગ ટાઇડ્સ' કહેવામાં આવે છે.
ગુજરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (GUJCOST)ના ભૂતપૂર્વ સલાહકાર અને સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહૂના જણાવ્યા અનુસાર, સુપરમૂનની સુંદરતા માત્ર તેના દેખાવમાં જ નહીં, પરંતુ તે લોકોમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા જગાવે છે તેમાં પણ રહેલી છે. આવી ઘટનાઓ બાળકો અને વિદ્યાર્થીઓને અવલોકન કરવા, પ્રશ્નો પૂછવા અને બ્રહ્માંડને સમજવા માટે પ્રેરિત કરે છે. અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: Khatu Shyam Jayanti 2026: 20 કે 21 નવેમ્બર, જાણો સાચી તારીખ અને ઘરે પૂજા કરવાની વિધિ




