Srinagar Fire Incident: શ્રીનગરના બેમિનામાં ભીષણ આગ, 80 ઝૂંપડાં ખાખ, 2 લોકોનાં મોત

Srinagar Fire Incident: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલા દુર્બલમાં 3 અને 4 નવેમ્બરની મધ્યરાત્રિએ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.
Nisha Parmar
Nisha Parmar
Srinagar Bemina Durgbal massive fire incident  શ્રીનગર આગSrinagar Bemina Durgbal massive fire incident  શ્રીનગર આગ

Srinagar Bemina Durgbal massive fire incident શ્રીનગર આગ

Srinagar Fire Incident: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલા દુર્બલમાં 3 અને 4 નવેમ્બરની મધ્યરાત્રિએ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં અંદાજે 80 કાચાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આગની લપેટમાં આવતાં કચરો વીણવાનું કામ કરતા બે લોકોનાં મોત થયાં હતાં. રાત્રે આશરે 12:23 વાગ્યે લાગેલી આગ લાકડાં અને તાડપત્રીથી બનેલાં ઝૂંપડાંમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.

જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી ફેલાઈ

પ્રાથમિક અહેવાલ મુજબ, ઝૂંપડાં લાકડાં અને તાડપત્રી જેવી સરળતાથી સળગી ઊઠે તેવી સામગ્રીથી બનાવવામાં આવ્યાં હતાં. આ કારણે આગે ટૂંકા સમયમાં જ સમગ્ર વસાહતને પોતાની લપેટમાં લઈ લીધી હતી. આગની નજીક આવેલું એક ખાલી પોલ્ટ્રી ફાર્મ પણ આગ અને તેની તીવ્ર ગરમીને કારણે ભારે નુકસાનગ્રસ્ત થયું હતું.

અનેક ફાયર સ્ટેશનની ટીમોએ હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન

ઘટનાની જાણ થતાં JVC અને રાવલપોરા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ બટમાલુ સ્થિત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના મુખ્યાલયમાંથી પણ વધારાની મદદ મોકલવામાં આવી હતી.

શ્રીનગરના ડેપ્યુટી ડિરેક્ટર કમાન્ડ અને મોબિલાઇઝિંગ ઓફિસર એજાઝ અહમદ શાહના સંકલન હેઠળ DFO સિટી અને DFO હેડક્વાર્ટરની ટીમોએ આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. અનેક ફાયર સ્ટેશનની મદદથી લાંબી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

કચરો વીણતા બે લોકોનાં મોત

આગ પર કાબૂ મેળવ્યા બાદ શોધ અને બચાવ કામગીરી દરમિયાન કાટમાળ નીચેથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ 27 વર્ષીય મોહમ્મદ નૂર આલમ અને 16 વર્ષીય અલ અમીન તરીકે થઈ છે.

મોહમ્મદ નૂર આલમના પિતાનું નામ અબ્દુલ વહાબ હોવાનું જણાવાયું છે. તેઓ મૂળ દિલ્હીના રહેવાસી હતા અને હાલ દુર્બલ વિસ્તારમાં રહેતા હતા. જ્યારે બીજા મૃતક અલ અમીનના પિતાનું નામ મોહમ્મદ રફી છે. તેઓ પણ મૂળ દિલ્હીનો હોવાનું અને હાલ કુપવાડામાં રહેતા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. બંને સ્થાનિક સ્તરે કચરો વીણવાનું કામ કરતા હતા.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાશે

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પ્રક્રિયા અને ઘટનાસ્થળની તપાસ પૂર્ણ થયા બાદ બંને મૃતદેહ કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. અધિકારીઓએ આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઓક્ટોબર મહિનામાં જમ્મુ રેલવે સ્ટેશન સામે આવેલા શિવા માર્કેટમાં પણ ભીષણ આગ લાગી હતી. તે ઘટનામાં 35થી 40 દુકાનો અને એક હોટલ બળીને ખાખ થઈ ગયાં હતાં.

આ પણ વાંચો : UP Politics: ગોરખપુરમાં ભાજપની ‘લોકતંત્ર બચાવો’ પદયાત્રા, યોગી આદિત્યનાથ જોડાશે