Kedartal Trek: ઉત્તરાખંડના કેદારતાલ ટ્રેક પર મોટો અકસ્માત, બંગાળના 5 ટ્રેકર્સ સહિત 8 લોકો ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ


Kedartal Trek: કેદારતાલ ટ્રેક પર 8 ટ્રેકર્સ ગુમ
Kedartal Trek: ઉત્તરાખંડના કેદારતાલ ટ્રેક પર મોટો અકસ્માત, બંગાળના 5 ટ્રેકર્સ સહિત 8 લોકો ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ


Kedartal Trek: કેદારતાલ ટ્રેક પર 8 ટ્રેકર્સ ગુમ
Kedartal Trek: ઉત્તરાખંડના કેદારતાલ ટ્રેક પર હિમવર્ષા અને હિમપ્રપાતને કારણે મોટો અકસ્માત સર્જાયો છે. ટ્રેકિંગ અભિયાન દરમિયાન અચાનક હવામાન ખરાબ થતાં પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના 5 ટ્રેકર્સ સહિત કુલ 8 લોકો ગુમ થયા છે. ઉત્તરાખંડ SDRF અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી શોધ અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી ગુમ થયેલા લોકોનો કોઈ પત્તો મળ્યો નથી.
બંગાળના 5 ટ્રેકર્સની ઓળખ થઈ
ગુમ થયેલા 5 ટ્રેકર્સની ઓળખ તાપસ બાઉરી, રતન ઘોષ, રિન્ટુ મંડલ, ઉદય ઘોષ અને મનોજ ખવાસ તરીકે થઈ છે. તેમાંથી પ્રથમ 4 બાંકુરા જિલ્લાના સાલબની ગામના રહેવાસી છે, જ્યારે મનોજ ખવાસ કેશરા ગામના રહેવાસી છે.
ગુમ થયેલા અન્ય 3 સભ્યોમાં 2 ઉત્તર પ્રદેશના લખનઉ અને એક ઉત્તરાખંડના ઉત્તરકાશીનો રહેવાસી છે. બાંકુરાના પાંચેય ટ્રેકર્સ 24 ઓક્ટોબરે ઉત્તરાખંડ જવા રવાના થયા હતા અને નવેમ્બરની શરૂઆતમાં ઘરે પરત ફરવાના હતા.
4,000 મીટરની ઊંચાઈએ ફસાયા ટ્રેકર્સ
મળતી માહિતી અનુસાર, ચાર શેરપા અને એક સહાયક સહિત 12 સભ્યોનું ટ્રેકિંગ અભિયાન ગંગોત્રીથી કેદારતાલ તરફ રવાના થયું હતું. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ટીમે બેઝ કેમ્પથી આગળની મુસાફરી શરૂ કરી હતી.
પરંતુ આશરે 4,000 મીટરની ઊંચાઈએ આવેલા પર્વતીય વિસ્તારમાં અચાનક ભારે હિમવર્ષા થતાં અભિયાનના મોટાભાગના સભ્યો ફસાઈ ગયા હતા. ટીમના ચાર સભ્યો, જેમાં એક શેરપા અને એક સહાયકનો સમાવેશ થાય છે, 30 ઓક્ટોબરે પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ તેમને અધિકારીઓને બાકીના 8 સભ્યો ગુમ હોવાની જાણ કરી હતી.
હેલિકોપ્ટરની મદદથી શોધખોળ ચાલુ
ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડ સરકારે શોધ અને બચાવ અભિયાન શરૂ કર્યું હતું. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ પ્રાધિકરણ દ્વારા સંચાલિત હેલિકોપ્ટરની મદદથી SDRFની ટીમ ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે.
છેલ્લા 2 દિવસથી દુર્ગમ પર્વતીય વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી. ઊંચાઈવાળા વિસ્તારમાં પ્રતિકૂળ હવામાન અને સતત ખરાબ પરિસ્થિતિને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.
પશ્ચિમ બંગાળ સરકાર ઉત્તરાખંડના સંપર્કમાં
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પાંચેય ટ્રેકર્સની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમને જણાવ્યું કે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકાર અને SDRFના સતત સંપર્કમાં છે. દિલ્હી સ્થિત રેસિડેન્ટ કમિશનર કચેરી અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ મારફતે પણ બચાવ કામગીરીની માહિતી મેળવવામાં આવી રહી છે.
બાંકુરાના જિલ્લા વહીવટીતંત્રે ગુમ થયેલા ટ્રેકર્સના પરિવારોનો સંપર્ક કર્યો છે અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનીશ દાસગુપ્તાના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર પરિવારજનોને જરૂરી સહાય પૂરી પાડી રહ્યું છે.
પરિવારોની ચિંતા વધી
પરિવારજનોના જણાવ્યા અનુસાર, પર્વતીય વિસ્તારમાં પહોંચ્યા બાદ તેઓ ટ્રેકર્સના સંપર્કમાં હતા. પરંતુ છેલ્લા 2-3 દિવસથી તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ગુમ થયેલા લોકોના મોબાઈલ ફોન પણ બંધ હોવાથી પરિવારોની ચિંતા વધી છે. હાલ તમામ 8 સભ્યને સુરક્ષિત શોધી કાઢવા માટે બચાવ અભિયાન ચાલુ છે. ખરાબ હવામાનને કારણે કામગીરી પડકારજનક બની રહી છે.





