Fly dubai: ‘સાચું પગલું ન ભર્યું હોત તો દેશ અને પાયલટો પર શું વીતત’, PM મોદીએ સ્મિત મચ્છારની પ્રશંસા કરી



Fly dubai
Fly dubai: ‘સાચું પગલું ન ભર્યું હોત તો દેશ અને પાયલટો પર શું વીતત’, PM મોદીએ સ્મિત મચ્છારની પ્રશંસા કરી



Fly dubai
Fly dubai: ફ્લાઈદુબઈની તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં સર્જાયેલી ગંભીર ઘટના દરમિયાન મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોલ પર વાત કરી. યુએઈમાં સારવાર લઈ રહેલા સ્મિત મચ્છાર સાથેની વાતચીત દરમિયાન PM મોદીએ કટોકટીની સ્થિતિમાં તેમના નિર્ણય અને હિંમતની પ્રશંસા કરી હતી.
‘તમે બધાના જીવ બચાવ્યા, બહુ મોટું કામ કર્યું’
PM મોદીએ સ્મિત મચ્છારને કહ્યું કે જો તેમણે સંકટની ઘડીએ યોગ્ય પગલું ન ભર્યું હોત તો પરિસ્થિતિના પરિણામો અલગ હોઈ શક્યા હોત. તેમણે કહ્યું કે આ ઘટનામાં તેમની ભૂમિકાથી ભારતીય પાયલટોની પ્રતિષ્ઠા પણ જળવાઈ છે.
PM મોદીએ કહ્યું, “જો તમે આવું ન કર્યું હોત તો ખબર નહીં સમગ્ર દેશ અને ભારતના પાયલટો પર શું વીતત. ભારતીય પાયલટોએ શું-શું સહન કરવું પડત અને તેમને કયા દૃષ્ટિકોણથી જોવામાં આવતા. તમે બધાના જીવ બચાવ્યા છે. તમે બહુ મોટું કામ કર્યું છે.”
‘ભારતીયો જીવ લેનારા નહીં, જીવ બચાવનારા લોકો’
વડાપ્રધાને કહ્યું કે આ ઘટના ભારતીયોના સાહસ અને મૂલ્યોને દર્શાવે છે. તેમણે કહ્યું, “આજે આખો દેશ ગર્વથી કહી શકે છે કે આપણે હિંદુસ્તાની જીવ લેનારા લોકો નથી, પરંતુ જીવ બચાવનારા લોકો છીએ.”
PM મોદીએ સ્મિત મચ્છારની ઈજાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ પોતે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા, છતાં તેમણે મુસાફરોના જીવનની ચિંતા કરી. તેમણે કહ્યું કે આ ઘટનાથી 140 કરોડ દેશવાસીઓનું માન વધ્યું છે.
સ્મિત મચ્છારે કહ્યું- ‘હનુમાન ચાલીસા વાંચી રહ્યો હતો’
PM મોદી સાથેની વાતચીત દરમિયાન સ્મિત મચ્છારે ઘટનાની ભયાનક ઘડીને યાદ કરી. તેમણે જણાવ્યું કે તે મુશ્કેલ સમયમાં પણ તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા.
સ્મિત મચ્છારે કહ્યું, “તે સમયે હું હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો અને મને ખબર છે કે ભગવાને જ મને બચાવ્યો છે.”
ફ્લાઈટમાં કોપાયલટે સ્મિત મચ્છાર પર કર્યો હતો ચાકુથી હુમલો
ફ્લાઈદુબઈની ફ્લાઈટ દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહી હતી. દરમિયાન ફ્લાઈટમાં કોપાયલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર ચાકુથી હુમલો કર્યો હતો. ઈઝરાયેલના વડાપ્રધાનના એક નિવેદન અનુસાર, કોપાયલટે વિમાનને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ફ્લાઈટમાં આશરે 174 લોકો સવાર હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિત મચ્છારે કોકપિટમાં પરિસ્થિતિનો સામનો કર્યો અને દરવાજો ખોલ્યો. ત્યારબાદ કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોએ કોપાયલટને કાબૂમાં લીધો હતો.





