Mann Ki Baat: ‘દેશમાં યંગ ક્રિએટર્સની કમી નથી’, PM મોદીએ યુવાનોને આપી મોટી અપીલ



Mann Ki Baat
Mann Ki Baat: ‘દેશમાં યંગ ક્રિએટર્સની કમી નથી’, PM મોદીએ યુવાનોને આપી મોટી અપીલ



Mann Ki Baat
Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 137મા એપિસોડમાં દેશના યુવાનો, ઇતિહાસ, નશામુક્ત ભારત અને મહિલા સશક્તિકરણ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. તેમણે કહ્યું કે ‘મન કી બાત’ એવું મંચ છે, જ્યાં દેશભરમાં થઈ રહેલા નવા અને પ્રેરણાદાયી પ્રયાસોને લોકો સુધી પહોંચાડવાની તક મળે છે.
યુવા ક્રિએટર્સને પ્રોત્સાહન
PM મોદીએ દેશના યુવાનોની સર્જનાત્મકતા અને નવા વિચારોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે દેશમાં યંગ ક્રિએટર્સની કોઈ કમી નથી. આ દરમિયાન તેમણે મુંબઈના કૃષ્ણા શેષાદ્રિ દ્વારા બનાવવામાં આવેલી bharatrajya.com વેબસાઇટનો ઉલ્લેખ કર્યો.
ઇતિહાસને સરળતાથી સમજવામાં મદદ
PM મોદીએ યુવાનો અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકોને આ વેબસાઇટની મુલાકાત લેવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે વેબસાઇટ પર કોઈ ચોક્કસ વર્ષ પસંદ કરવાથી તે સમયગાળા દરમિયાન ભારતના કયા ભાગમાં કોનું શાસન હતું તેની માહિતી મેળવી શકાય છે. PM મોદીના જણાવ્યા અનુસાર, આ પ્રકારની પહેલ ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનવાની સાથે ઇતિહાસને રસપ્રદ રીતે સમજવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
‘નશામુક્ત ભારત’ માટે એકજૂથ થવાની અપીલ
‘મન કી બાત’માં PM મોદીએ દેશવાસીઓને #નશામુક્તભારત ના નિર્માણ માટે એકસાથે કામ કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે અને મોટી સંખ્યામાં યુવાનો તેની સાથે જોડાઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે નશાની લત માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને અસર કરે છે.
PM સ્વનિધિ યોજનામાં મહિલાઓની ભાગીદારી
PM મોદીએ PM સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ યોજના લાખો મહિલાઓને પોતાના વ્યવસાયને આગળ વધારવામાં મદદ કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ યોજનાના લાભાર્થીઓમાં લગભગ 46 ટકા મહિલાઓ છે અને દેશભરમાં અંદાજે 35 લાખ મહિલાઓ આ યોજનાથી જોડાયેલી છે.
Mission ShaktiSATની પણ ચર્ચા
PM મોદીએ Mission ShaktiSATનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેના માધ્યમથી 108 દેશોની 12 હજાર વિદ્યાર્થીનીઓને સેટેલાઇટ ટેક્નોલોજી અને ઇનોવેશન અંગે શીખવાની તક મળી રહી છે. તેમણે યુવાનોની આવી પહેલોને દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવી.




