PM Narendra Modi: બનાસકાંઠાથી ગુજરાતને આપશે 4,300થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોની ભેટ, ₹750 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ


PM Narendra Modi
PM Narendra Modi: બનાસકાંઠાથી ગુજરાતને આપશે 4,300થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોની ભેટ, ₹750 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ


PM Narendra Modi
PM Narendra Modi: ગુજરાતમાં બાળકોના સર્વાંગી વિકાસ, માતૃસ્વાસ્થ્ય અને કિશોરીઓના પોષણને વધુ મજબૂત બનાવવા રાજ્યવ્યાપી પહેલ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠાની ધરતી પરથી આશરે ₹750 કરોડના ખર્ચે 4,300થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ અંતર્ગત 4,000થી વધુ નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે 300થી વધુ પૂર્ણ થયેલાં આધુનિક કેન્દ્રોનું લોકાર્પણ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને મહિલા તથા બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ આ પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે. નવા કેન્દ્રોથી આશરે ચાર લાખ લાભાર્થીઓને સીધો લાભ મળવાનો અંદાજ છે. તેમાં આશરે ત્રણ લાખ બાળકો, 80 હજાર કિશોરીઓ તથા 35 હજાર સગર્ભા અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં 53 હજારથી વધુ આંગણવાડીઓ, 51 લાખથી વધુ લાભાર્થીઓ
ગુજરાતના 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકા વિસ્તારોમાં 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) હેઠળ આ કેન્દ્રો દ્વારા 51 લાખથી વધુ લાભાર્થીઓને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેમાં છ વર્ષ સુધીનાં બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ત્રણથી છ વર્ષનાં 16 લાખથી વધુ બાળકો આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યાં છે. તેમને પૌષ્ટિક નાસ્તા ઉપરાંત બપોરે ગરમ ભોજન પણ આપવામાં આવે છે. આંગણવાડીઓ બાળકોના પ્રારંભિક શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્રો બની રહી છે.
નવા આંગણવાડી કેન્દ્રોમાં મળશે આધુનિક સુવિધાઓ
નવા ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની સાથે સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, વીજળી, બાળમૈત્રીપૂર્ણ ફર્નિચર અને ડિજિટલ શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
દિવ્યાંગ બાળકો માટે રેમ્પ અને હેન્ડરેલ, LED સ્માર્ટ ટીવી તથા પોષણ વાટિકા જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. BALA એટલે કે 'Building as Learning Aid'ની સંકલ્પના હેઠળ આંગણવાડીનું મકાન, રંગો અને દીવાલો પણ બાળકોના શિક્ષણનું માધ્યમ બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બાંધકામની ગુણવત્તા જાળવવા IIT ગાંધીનગરના સહયોગથી પસંદગીનાં આંગણવાડી મકાનોનું થર્ડ પાર્ટી ટેકનિકલ નિરીક્ષણ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પોષણ ક્ષેત્રે લાખો બાળકો અને માતાઓને યોજનાઓનો લાભ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને માતાઓના પોષણસ્તરમાં સુધારો લાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.
- ટેક હોમ રાશન યોજના: રાજ્યમાં 15 લાખથી વધુ બાળકો, આશરે પાંચ લાખ માતાઓ અને 10 લાખ કિશોરીઓને દર મહિને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ યોજના માટે ₹615 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ફોર્ટિફાઇડ લોટ: આંગણવાડીઓમાં આવતા 18 લાખથી વધુ બાળકોને ગરમ ભોજન તૈયાર કરવા પોષક તત્ત્વોથી સમૃદ્ધ ફોર્ટિફાઇડ લોટ પૂરો પાડવામાં આવે છે.
- દૂધ સંજીવની યોજના: આદિજાતિ વિસ્તારો અને વિકાસશીલ તાલુકાઓમાં દર વર્ષે આશરે ₹126 કરોડના ખર્ચે લગભગ 11 લાખ બાળકો અને બે લાખ માતાઓને પેશ્ચ્યુરાઇઝ્ડ ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના: આશરે 4.5 લાખ માતાઓને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર સિંગતેલ આપવામાં આવે છે. આ યોજના માટે ₹265 કરોડની જોગવાઈ છે.
- પોષણ સુધા યોજના: 14 જિલ્લાનાં 106 ઘટકોમાં આશરે એક લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્રો ખાતે દરરોજ બપોરે પૌષ્ટિક ગરમ ભોજન આપવામાં આવે છે. આ યોજના માટે ₹87 કરોડનો ખર્ચ નિર્ધારિત છે.
- પૂર્ણા યોજના: 15થી 18 વર્ષની 10 લાખથી વધુ કિશોરીઓને પોષણ, સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના માટે ₹362 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આંગણવાડી કાર્યકરોને ડિજિટલ સશક્તિકરણ
આંગણવાડી સેવાઓને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા વિભાગ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર, હેડ કાઉન્ટ, WCD AVT સહિતની ડિજિટલ એપ્લિકેશનો દ્વારા લાભાર્થીઓની નોંધણી, બાળકોની હાજરી, પોષણ સેવાઓનું વિતરણ અને ક્ષેત્ર મુલાકાતોનું મૉનિટરિંગ કરવામાં આવે છે.
માર્ચ-એપ્રિલ 2026 દરમિયાન દરેક આંગણવાડી કાર્યકરને 5G સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા. પોષણ ટ્રેકરમાં રિયલ-ટાઇમ ડેટા એન્ટ્રી માટે કાર્યકરોને દર મહિને ₹500 અને તેડાગરોને ₹250નું પ્રોત્સાહન આપવામાં આવે છે.
6 હજારથી વધુ નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા
આંગણવાડી સેવાઓને વધુ મજબૂત બનાવવા અગાઉની ભરતી પ્રક્રિયામાં નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે છ હજારથી વધુ નવી જગ્યાઓ માટે ઓનલાઇન ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને 'માતા યશોદા એવોર્ડ' દ્વારા સન્માનિત કરવાની સાથે દર વર્ષે ગણવેશરૂપે બે સાડીઓ આપવાની વ્યવસ્થા પણ છે. તેમની સામાજિક સુરક્ષા માટે વીમા અને બચત આધારિત જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે.
બાળકોના ભવિષ્ય માટે આધુનિક માળખાકીય સુવિધાઓનો વિસ્તાર
બાળકોના જીવનનાં પ્રારંભિક વર્ષોમાં યોગ્ય પોષણ, સુરક્ષિત વાતાવરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા 4,300થી વધુ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણથી રાજ્યમાં બાળમૈત્રીપૂર્ણ માળખાકીય સુવિધાઓનો વિસ્તાર થશે. સાથે જ પોષણલક્ષી યોજનાઓ અને ડિજિટલ દેખરેખની વ્યવસ્થા દ્વારા બાળકો, કિશોરીઓ તથા માતાઓ સુધી ગુણવત્તાયુક્ત સેવાઓ પહોંચાડવાના પ્રયાસોને વધુ વેગ મળવાની અપેક્ષા છે.






