Get News Alerts

Never miss breaking news updates.

Morari Bapuની ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો કન્યાકુમારીથી પ્રારંભ, 23 ઓક્ટોબરે કેદારનાથ પહોંચશે

Morari Bapu Bharat Swastik Yatra: પૂજ્ય મોરારી બાપુએ કન્યાકુમારીથી કેદારનાથ સુધીની પવિત્ર ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો 10 ઓક્ટોબર, 2026ના રોજ પ્રારંભ કરાવ્યો છે. ભારતની દક્ષિણ છેડેથી હિમાલય સુધીની આ આધ્યાત્મિક યાત્રાનો...
R Gajjar
R GajjarUpdated on: 10 Oct 2026 06:22 PM IST
Morari Bapuની ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો કન્યાકુમારીથી પ્રારંભ, 23 ઓક્ટોબરે કેદારનાથ પહોંચશેMorari Bapuની ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો કન્યાકુમારીથી પ્રારંભ, 23 ઓક્ટોબરે કેદારનાથ પહોંચશે

Morari Bapu Bharat Swastik Yatra

Morari Bapu Bharat Swastik Yatra: પૂજ્ય મોરારી બાપુએ કન્યાકુમારીથી કેદારનાથ સુધીની પવિત્ર ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો 10 ઓક્ટોબર, 2026ના રોજ પ્રારંભ કરાવ્યો છે. ભારતની દક્ષિણ છેડેથી હિમાલય સુધીની આ આધ્યાત્મિક યાત્રાનો હેતુ દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને જોડવાની સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ, શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ ફેલાવવાનો છે. કન્યાકુમારી રેલવે સ્ટેશન પર સવારે 11 વાગ્યે યાત્રાના રેલવે તબક્કાનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે વિવિધ આધ્યાત્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સંતો, મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. શૃંગેરી શારદા પીઠમના પ્રતિનિધિ આનંદજી, વિવેકાનંદ કેન્દ્રનાં કુમારી બી. રાધા દેવી, સતુઆ બાબા, મદન પાલીવાલ સહિતના મહાનુભાવોએ આ પ્રસંગમાં ભાગ લીધો હતો.

ત્યાગ, તપ, તિતિક્ષા અને તર્પણ યાત્રાનાં મુખ્ય મૂલ્યો

યાત્રાના ઉદ્દેશ્ય વિશે વાત કરતાં મોરારી બાપુએ જણાવ્યું હતું કે સ્વસ્તિક મંગળ, કલ્યાણ અને સદ્ભાવનાનું પ્રતીક છે. આ યાત્રા પણ આ જ ભાવનાથી સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના સાથે આગળ વધી રહી છે. તેમણે યાત્રાના ચાર મુખ્ય મૂલ્યો તરીકે ત્યાગ, તપ, તિતિક્ષા અને તર્પણનો ઉલ્લેખ કર્યો હતો. મોરારી બાપુએ આ યાત્રાને અત્યંત દુર્ગમ ગણાવી હતી, પરંતુ ભગવાન શ્રીરામની કૃપાથી આ માર્ગ સુગમ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, આ યાત્રા માત્ર તીર્થદર્શન પૂરતી સીમિત નથી, પરંતુ સમર્પણ, ધૈર્ય, કૃતજ્ઞતા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ છે.

કન્યાકુમારીથી કેદારનાથ સુધી બે વિશેષ ટ્રેનોમાં યાત્રા

ભારત સ્વસ્તિક યાત્રાના પ્રથમ તબક્કામાં આશરે 900 શ્રદ્ધાળુઓ મોરારી બાપુ સાથે બે વિશેષ ટ્રેનોમાં યાત્રા કરી રહ્યા છે. ‘કૈલાશ ભારત ગૌરવ’ અને ‘ચિત્રકૂટ ભારત ગૌરવ’ નામની આ ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચ છે. 10થી 23 ઓક્ટોબર સુધી ચાલનારા પ્રથમ તબક્કામાં યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈને કાલડી, શૃંગેરી, હમ્પી, તુળજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, અટારી-વાઘા અને જમ્મુ સહિતનાં મહત્ત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થઈ કેદારનાથ પહોંચશે. આ યાત્રા ભારતના વિવિધ પ્રદેશોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાના એક તાંતણે જોડવાનો પ્રયાસ છે.

વિવેકાનંદ કેન્દ્રમાં પ્રથમ રામકથાનું આયોજન

યાત્રાના શુભારંભ બાદ કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્ર ખાતે પ્રથમ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શૃંગેરી શારદા પીઠમના પ્રતિનિધિઓ દ્વારા સ્વસ્તિ વાચનથી કરવામાં આવી હતી. ત્યારબાદ શૃંગેરી શારદા પીઠમના જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભારતી તીર્થ મહાસન્નિધાનમનો વિશેષ વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે યાત્રા માટે આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી. શૃંગેરી શારદા પીઠમના પ્રતિનિધિ આનંદજીએ જણાવ્યું હતું કે રામકથાનો સંદેશ મનુષ્યને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા છ આંતરિક શત્રુઓથી ઉપર ઊઠવાની પ્રેરણા આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યાત્રાનો ઉદ્દેશ્ય વ્યક્તિગત કલ્યાણ ઉપરાંત સમગ્ર માનવજાતના કલ્યાણ સાથે પણ જોડાયેલો છે.

આદિ શંકરાચાર્યની એકાત્મતાની ભાવનાને આગળ વધારવાનો પ્રયાસ

ભારત સ્વસ્તિક યાત્રા સ્વસ્તિકના પરંપરાગત અર્થ—મંગળ, સદ્ભાવ, સંતુલન અને કલ્યાણ—થી પ્રેરિત છે. સ્વસ્તિકની ચાર ભુજાઓને ચાર દિશાઓ, ચાર વેદો, ચાર પુરુષાર્થો અને જીવનના ચાર આશ્રમ જેવી ભારતીય પરંપરાની સંકલ્પનાઓ સાથે સાંકળવામાં આવે છે. આ યાત્રા આદિ શંકરાચાર્યની ભારતભરની આધ્યાત્મિક યાત્રાઓનું પણ સ્મરણ કરાવે છે. તેમના દ્વારા સનાતન ધર્મના માધ્યમથી દેશના વિવિધ પ્રદેશોને જોડવાના પ્રયાસની ભાવનાને આગળ વધારવાનો આ ઉપક્રમ છે. સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત આ યાત્રામાં સંતો, આચાર્યો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને વિવિધ સમુદાયોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. યાત્રાના વિવિધ પડાવો પર રામકથા અને સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ, કાર્યક્રમો સૌ કોઈ માટે ખુલ્લા રહેશે અને શ્રદ્ધાળુઓ માટે શાકાહારી સામૂહિક ભોજન એટલે કે ભંડારાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

14 નવેમ્બરે દ્વારકાથી બીજા તબક્કાનો પ્રારંભ

મોરારી બાપુએ આ યાત્રાના બંને તબક્કા સાથે જોડાયેલી રામકથાનું નામ ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ રાખ્યું છે. પ્રથમ તબક્કાની રામકથા તેમની 985મી અને બીજા તબક્કાની રામકથા 986મી રામકથા હશે. પ્રથમ તબક્કો 23 ઓક્ટોબરે કેદારનાથમાં પૂર્ણ થશે. ત્યારબાદ યાત્રાનો બીજો તબક્કો 14 નવેમ્બરે દ્વારકાથી શરૂ થશે અને 22 નવેમ્બરે જગન્નાથ પુરીમાં પૂર્ણ થશે. કન્યાકુમારીથી કેદારનાથ અને દ્વારકાથી પુરી સુધીની આ પહેલ દ્વારા દેશના વિવિધ પ્રદેશોને આધ્યાત્મિક એકતા, સદ્ભાવના અને માનવકલ્યાણના સંદેશ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]