Maharashtra FDA Raid: રૂપિયા 3.52 કરોડનો ખાદ્ય સ્ટોક જપ્ત, 38 હોટેલ-રેસ્ટોરન્ટના લાઈસન્સ સસ્પેન્ડ

Maharashtra FDA Raid: મહારાષ્ટ્રમાં 38 હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય સંસ્થાઓના લાઈસન્સ તથા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Kunjan Shukal
Kunjan Shukal
મહારાષ્ટ્રમાં 38 હોટેલ-રેસ્ટોરન્ટના લાઈસન્સ સસ્પેન્ડમહારાષ્ટ્રમાં 38 હોટેલ-રેસ્ટોરન્ટના લાઈસન્સ સસ્પેન્ડ

મહારાષ્ટ્રમાં 38 હોટેલ-રેસ્ટોરન્ટના લાઈસન્સ સસ્પેન્ડ

Maharashtra FDA Raid: મહારાષ્ટ્રમાં લોકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા 20 અને 21 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 3.52 કરોડથી વધુનો ખાદ્ય સ્ટોક અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે 38 હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય સંસ્થાઓના લાઈસન્સ તથા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બે બોલેરો પિકઅપ વાહનો પણ જપ્ત કરાયા

ઠાણે જિલ્લાના ભિવંડી સ્થિત નોવાસોલ ઈન્ગ્રેડિયન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડમાં તપાસ દરમિયાન જરૂરી મંજૂરી વિના ખાદ્ય સામગ્રીનો ઉપયોગ અને સંગ્રહ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. અહીંથી 61,009 કિલો ખાદ્ય સામગ્રી, જેની કિંમત રૂપિયા 1.91 કરોડથી વધુ છે, જપ્ત કરવામાં આવી હતી. કોકણ વિભાગમાં ત્રણ વાહનોમાંથી કથિત રીતે હલકી ગુણવત્તાની અને સડેલી સોપારી મળી આવતા 84,694 કિલો સોપારી, જેની કિંમત રૂપિયા 97.82 લાખ છે, જપ્ત કરવામાં આવી હતી.

બુલઢાણાના જળંબમાં પ્રતિબંધિત ગુટખા અને પાનમસાલાની હેરાફેરી કરતા બે બોલેરો પિકઅપ વાહનો પણ જપ્ત કરાયા હતા. વાહનો સહિત રૂપિયા 55.53 લાખની સંપત્તિ જપ્ત કરી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નાશિકમાં પણ ગુટખા જપ્તી મામલે FIR નોંધાઈ અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈમાં Zeptoના ભાંડુપ સ્ટોરેજ સેન્ટર સહિત અનેક રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી મળી આવી હતી.

સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે

કેટલીક જગ્યાએ કોકરોચ, ખુલ્લું કાચું ચિકન, બિનરેફ્રિજરેટેડ બટર-ચીઝ અને અસ્વચ્છ રસોડા જોવા મળ્યા હતા. પુણેમાં પણ અનેક હોટેલ-રેસ્ટોરન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા હતા. આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં રૂપિયા 3.17 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. FDA કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ કર્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો: Dadar Metro Station: મુંબઈના દાદર મેટ્રો સ્ટેશનનું નામ બદલી 'ચૈત્યભૂમિ' કરાશે, રેલવે સ્ટેશનનું નામ રહેશે યથાવત