Get News Alerts

Never miss breaking news updates.

Amravati Hospital Fire : વેન્ટિલેટરમાં બ્લાસ્ટ બાદ આગ, 3 માસૂમ જીવતા ભુંજાયા

Amravati Hospital Fire : મહારાષ્ટ્રના અમરાવતીમાં જિલ્લા મહિલા હોસ્પિટલના નવજાત શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતાં અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 24 Aug 2026 09:43 AM IST
Amravati Hospital Fire : વેન્ટિલેટરમાં બ્લાસ્ટ બાદ આગ, 3 માસૂમ જીવતા ભુંજાયાAmravati Hospital Fire : વેન્ટિલેટરમાં બ્લાસ્ટ બાદ આગ, 3 માસૂમ જીવતા ભુંજાયા

Amravati Hospital Fire

Amravati Hospital Fire : હોસ્પિટલની ત્રીજી માળે આવેલા નવજાત શિશુ ગહન સારવાર કેન્દ્ર એટલે કે SNCU/NICUમાં વહેલી સવારે આશરે 3:30 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ત્રણ નવજાત બાળકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, વેન્ટિલેટરમાં અચાનક વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી.

વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થતાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનાથી હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. ડોક્ટરો, નર્સો અને ડ્યુટી પર હાજર અન્ય કર્મચારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને વોર્ડમાં રહેલા અન્ય નવજાત બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

39 બાળકો સારવાર હેઠળ હતા

ઘટના સમયે નવજાત શિશુ વોર્ડમાં કુલ 39 બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગ્યા બાદ હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. અનેક બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

જોકે, આગની ઝપેટમાં આવી જતાં ત્રણ માસૂમ નવજાત બાળકોનાં મોત થયા હતા. આગ બાદ છ નવજાત બાળકોને વધુ સારવાર માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય બાળકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે

આ દુર્ઘટનાને પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. વેન્ટિલેટરમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ શું હતું, મશીનમાં કોઈ ટેક્નિકલ ખામી હતી કે કેમ અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા પૂરતી હતી કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે કેટલા સમયમાં પહોંચી અને આગને કાબૂમાં લેવા કેટલો સમય લાગ્યો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ ઘટના અંગે જિલ્લાના પાલકમંત્રી અને મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ સંજ્ઞાન લીધું છે. તેમણે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને મૃત બાળકોના પરિવારજનોને સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. આ ઘટનાએ હોસ્પિટલોમાં ખાસ કરીને NICU અને નવજાત શિશુ વોર્ડમાં આગ સામેની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે. સમગ્ર ઘટનાની તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે.

આ પણ વાંચો : World : ગિનીમાં કાળમુખો અકસ્માત, કોનાક્રીમાં ભૂસ્ખલન થતા 30 ના મોત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે