Get News Alerts

Never miss breaking news updates.

L Murugan Resignation : કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખ્યો પત્ર

L Murugan Resignation : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રીય મંત્રીપદ અને રાજ્યસભાની સભ્યતા છોડવાની મંજૂરી માગી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
Kunjan ShuklaUpdated on: 13 Oct 2026 07:05 PM IST
L Murugan Resignation : કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખ્યો પત્રL Murugan Resignation : કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખ્યો પત્ર

L Murugan Resignation

L Murugan Resignation : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રીય મંત્રીપદ અને રાજ્યસભાની સભ્યતા છોડવાની મંજૂરી માગી હોવાના અહેવાલ સામે આવ્યા છે. મુરુગને તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મજબૂત બનાવવા અને પાર્ટીના કાર્યકરો સાથે રહીને સંગઠન માટે સંપૂર્ણ સમય ફાળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 2029ની લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં પાર્ટીનું સંગઠન મજબૂત કરવાના હેતુથી તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મુરુગને પોતાના સંદેશમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત માતા અને તમિલનાડુની સેવા કરવી તેમના જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. દૈનિક મજૂરી કરતા માતા-પિતાના પુત્રથી લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાં સેવા આપવા સુધીની સફરને તેમણે વિશેષાધિકાર ગણાવી હતી.

કોણ છે એલ. મુરુગન?

ડૉ. એલ. મુરુગનનું પૂરું નામ લોકનાથન મુરુગન છે. તેમનો જન્મ 29 મે, 1977ના રોજ તમિલનાડુના નમક્કલ જિલ્લામાં થયો હતો. તેઓ વ્યવસાયે વકીલ છે અને તમિલનાડુમાં ભાજપના અગ્રણી દલિત નેતાઓમાંના એક તરીકે ઓળખાય છે. તેમણે કાયદાનો અભ્યાસ કર્યા બાદ અનુસ્નાતક અને ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. તેઓએ આશરે 15 વર્ષ સુધી વકીલાત પણ કરી હતી. મુરુગન વિદ્યાર્થીકાળથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં સક્રિય થયા.

સંસદીય કાર્ય રાજ્યમંત્રીની જવાબદારી પણ સંભાળી

વર્ષ 2017થી 2020 દરમિયાન તેમણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી. 12 માર્ચ, 2020ના રોજ તેમને ભાજપના તમિલનાડુ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જુલાઈ 2021માં તેઓ પ્રથમ વખત કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. 2024માં મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં તેમને સંસદીય કાર્ય રાજ્યમંત્રીની જવાબદારી પણ મળી હતી.

ચૂંટણીમાં હાર છતાં કેન્દ્રમાં જવાબદારી

મુરુગને 2021ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ધારાપુરમ બેઠક પરથી અને 2024ની લોકસભા ચૂંટણીમાં નીલગિરી બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ બંને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ હાલમાં મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે. હવે તમિલનાડુમાં પાર્ટીને મજબૂત કરવા જમીની સ્તરે કામ કરવાની તેમની ઈચ્છા આગામી લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની રાજકીય વ્યૂહરચનાના દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, મંત્રીપદ અને રાજ્યસભાની સભ્યતા છોડવા અંગે અંતિમ નિર્ણય સત્તાવાર રીતે જાહેર થાય તે પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Indian Army: ઇંગ્લેન્ડમાં ભારતીય સેનાનો ડંકો, કેમ્બ્રિયન પેટ્રોલિંગ 2026માં અસામ રેજિમેન્ટે જીત્યું ગોલ્ડ મેડલ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.