Kishtwar Terror Attack: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં લાપતા બે SPOના ગોળીઓથી છલની મૃતદેહ મળ્યા, હથિયારો ગાયબ

Kishtwar Terror Attack: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના મારવાહ જંગલ વિસ્તારમાંથી ગુરુવારે લાપતા થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ના મૃતદેહ મળી આવ્યા છે. બંને જવાનોના શરીર પર ગોળીઓનાં નિશાન મળી આવ્યાં છે.
Nisha Parmar
Nisha Parmar
Two missing SPOs found dead in Kishtwar  કિશ્તવાડ સર્ચ ઓપરેશનTwo missing SPOs found dead in Kishtwar  કિશ્તવાડ સર્ચ ઓપરેશન

Two missing SPOs found dead in Kishtwar કિશ્તવાડ સર્ચ ઓપરેશન

Kishtwar Terror Attack: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના મારવાહ જંગલ વિસ્તારમાંથી ગુરુવારે લાપતા થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ના મૃતદેહ મળી આવ્યા છે. બંને જવાનોના શરીર પર ગોળીઓનાં નિશાન મળી આવ્યાં છે, જ્યારે તેમનાં હથિયારો પણ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે જંગલ વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાયા બાદ બંને જવાનોનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારથી સુરક્ષા દળો દ્વારા મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.

સવારે 8 અને 9 વાગ્યે મળ્યા બંને મૃતદેહ

મૃતક જવાનોની ઓળખ રશપાલ કુમાર (40) અને બોબી ચંદ (54) તરીકે થઈ છે. બંને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)નો ભાગ હતા. સુરક્ષા દળોએ ગુરુવારે સવારે જંગલ વિસ્તારમાંથી બંનેના મૃતદેહ કબજામાં લીધા હતા. એક જવાનનો મૃતદેહ સવારે આશરે 8 વાગ્યે અને બીજા જવાનનો મૃતદેહ લગભગ 9 વાગ્યે મળી આવ્યો હતો. બંનેના શરીર પર ગોળીઓનાં અનેક નિશાન હોવાનું જણાવાયું છે.

પેટ્રોલિંગ દરમિયાન તૂટી ગયો હતો સંપર્ક

મળતી માહિતી મુજબ, 11 નવેમ્બરે બપોરે આશરે 3:30 વાગ્યે સ્થાનિક લોકોએ દેહરાના જંગલ વિસ્તારમાં ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. તે સમયે બંને જવાનો બસનન વિસ્તારમાં તૈનાત 17 રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડી સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને દેહરના પોસ્ટ તરફ જઈ રહ્યા હતા. ગોળીબાર બાદ બંનેનો સંપર્ક તૂટી ગયો હતો અને તેમના મોબાઇલ ફોન પણ બંધ થઈ ગયા હતા.

હથિયારો પણ ગાયબ, મોટા પાયે સર્ચ ઓપરેશન

ઘટના બાદ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સહિતના સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને શોધખોળ શરૂ કરી હતી. જંગલ વિસ્તારમાં સઘન તપાસ દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, બંને જવાનો પાસે રહેલાં .303 ગન અને INSAS રાઇફલ પણ ગાયબ છે. આ હથિયારો ક્યાં ગયા અને હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલી રહી છે.

ભાજપના ધારાસભ્યએ કડક કાર્યવાહીની માગ કરી

કિશ્તવાડનાં ભાજપનાં ધારાસભ્ય શગુન પરિહારે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે બંને SPOના મોત માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ પણ જવાબદારોને સજા આપવાની માગ કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આતંકીઓની શોધ માટે સુરક્ષા દળોનું અભિયાન ચાલુ છે.

આ પણ વાંચો : Italy School Bomb Threat: ઇટાલીની 6 હજારથી વધુ શાળાઓ અને PM જ્યોર્જિયા મેલોનીની કારને બોમ્બથી ઉડાવવાની ધમકી