Italy School Bomb Threat: ઇટાલીની 6 હજારથી વધુ શાળાઓ અને PM જ્યોર્જિયા મેલોનીની કારને બોમ્બથી ઉડાવવાની ધમકી


Italy schools bomb threat and PM alert ઇટાલી બોમ્બ ધમકી
Italy School Bomb Threat: ઇટાલીની 6 હજારથી વધુ શાળાઓ અને PM જ્યોર્જિયા મેલોનીની કારને બોમ્બથી ઉડાવવાની ધમકી


Italy schools bomb threat and PM alert ઇટાલી બોમ્બ ધમકી
Italy School Bomb Threat: ઇટાલીમાં બુધવારે બોમ્બની ધમકી મળતાં હડકંપ મચી ગયો હતો. દેશની 6 હજારથી વધુ શાળાઓને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની કારમાં પણ બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એકસરખા ધમકીભર્યા ઇમેઇલ મળ્યા બાદ 300થી વધુ શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડીને પોલીસ તથા સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.
રોમથી દક્ષિણ ઇટાલી સુધી સુરક્ષા એલર્ટ
ધમકીની જાણ થતાં જ રોમ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. ઉત્તરના ફ્રિઉલીથી લઈને દક્ષિણના બાસિલિકાટા સુધી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. ત્યારબાદ શાળાઓના દરેક ભાગની તપાસ કરવામાં આવી હતી. ધમકીને પગલે અનેક સ્થળોએ શૈક્ષણિક કામગીરી પણ ખોરવાઈ હતી.
ઇમેઇલમાં વિસ્ફોટક મૂક્યાનો દાવો
ધમકીભર્યા ઇમેઇલમાં શાળાની ઇમારતોમાં રિમોટ ડિટોનેટર સાથે વિસ્ફોટક ઉપકરણ મૂકવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઇમેઇલ મોકલનાર વ્યક્તિએ પોતાને ‘વિલાયત ઓફ મિસોજિનિસ્તાન’નો નેતા મિખાઇલ અંદ્રોપોસ ગણાવ્યો હતો. સંદેશમાં ઇટાલીના નાગરિકો પર મોટા હુમલાની ચેતવણી પણ આપવામાં આવી હતી. જોકે, આ દાવાઓની સત્યતા અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મેલોનીની કારમાં પણ બોમ્બ હોવાનો દાવો
શાળાઓને મળેલી ધમકી ઉપરાંત ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની કારના એન્જિનમાં પણ બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો દાવો ઇમેઇલમાં કરવામાં આવ્યો હતો. આ સંદેશ બાદ વડાપ્રધાનની સુરક્ષા સહિત સંબંધિત સુરક્ષા વ્યવસ્થાઓને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
શિક્ષણ મંત્રીએ 300થી વધુ શાળાઓનો ઉલ્લેખ કર્યો
ઇટાલીના શિક્ષણ મંત્રી જુસેપે વાલ્દિતારાએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે ઓછામાં ઓછી 300 શાળાઓમાંથી એલર્ટ મળ્યું છે અને આ સંખ્યા વધી શકે છે. રોમની એક હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓએ શરૂઆતમાં ખાલી કરાવવાના એલાર્મને રજા પડવાની ઘંટડી સમજી લીધું હતું. જોકે, બહાર આવ્યા બાદ તેમને ધમકી અંગે જાણ થઈ હતી.
અગાઉ પણ મળી હતી આવી ધમકી
આ પહેલી ઘટના નથી. 2 નવેમ્બરે પણ ઇટાલીની 270થી વધુ શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા. જોકે, અગાઉની ધમકીઓ ખોટી સાબિત થઈ હતી. તાજેતરની ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ તમામ સંદેશાઓ અને સંભવિત જોખમોની તપાસ કરી રહી છે.




